પ્રસ્તાવના:
નિઃસંદેહ કર્મની ગતિ અતિ ગહન છે. ધર્માત્માઓને દુઃખ અને પાપીઓને સુખ, આળસુને સફળતા અને ઉદ્યોગીને નિષ્ફળતા, વિવેકવાનો પર આપત્તિ અને મૂર્ખાઓને ત્યાં સંપત્તિ, દંભી અને પાખંડીઓને પ્રતિષ્ઠા અને સત્યનિષ્ઠોને તિરસ્કાર મળે છે એવાં અનેક ઉદાહરણો આ દુનિયામાં જોવા મળે છે. કોઈ જન્મતાં જ વૈભવ લઈને પેદા થાય છે, તો કોઈને જન્મીને જીવનભર એકલાં દુ:ખો જ ભોગવવા પડે છે. સુખ અને સફળતાના જે નિયમો નક્કી કરેલા છે તે સંપૂર્ણ પળાતા હોય તેવું બનતું નથી.
આ બધી વાતો જોતાં ભાગ્ય, ઈશ્વરની ઇચ્છા, કર્મની ગતિના સંબંધમાં અનેક પ્રકારના પ્રશ્નો અને શંકા-કુશંકાઓની ઝડી વરસે છે. આ શંકાઓ અને પ્રશ્નોનું જે સમાધાન પ્રાચીન પુસ્તકોમાં મળે છે તેનાથી આજના તર્કવાદી યુગમાં સંતોષકારક સમાધાન થતું નથી. પરિણામે નવી પેઢી પશ્ચિમના સિદ્ધાંતો તરફ વળતી જાય છે જેના આધારે ઈશ્વર અને ધર્મને ઢોંગ સમજે છે. મનુષ્યનું નિર્માણ પંચ તત્ત્વોમાંથી થયાનું દર્શાવવામાં આવે છે. આત્માના અસ્તિત્વનો ઈન્કાર કરવામાં આવે છે. કર્મોનું ફળ આપવાની શક્તિ રાજ્યશક્તિ સિવાય બીજા કોઈ પાસે નથી. ઈશ્વર અને ભાગ્ય જેવું કશું છે જ નહીં વગેરે નાસ્તિક વિચારો નવી પેઢીમાં ઘર કરતા જાય છે.
Reference: કર્મની ગતિ ન્યારી