શુભ કાર્યો માટે દરેક દિવસ – શુભ અને અશુભ કાર્યો માટે દરેક દિવસ અશુભ હોય છે, એમ છતાં કેટલોક સમય એવો વિશિષ્ટ હોય છે કે તે દરમ્યાન કરવામાં આવેલી આધ્યાત્મિક સાધનાઓ વધારે ફળ આપે છે. એવા વિશિષ્ટ સમયમાં નવરાત્રીનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. ગાયત્રી મહામંત્રના જપ, મંત્રલેખન તથા યજ્ઞ જેવાં કાર્યો દરરોજ કરવાં જોઈએ, પરંતુ ઉપાસના માટે નવરાત્રી એ શ્રેષ્ઠ સમય છે. નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે – ચૈત્ર અને આસો માસમાં. તે બંને વખતે ઋતુઓનો સંધિકાળ હોય છે. એ વખતે ઉપાસના કરવાથી વિશેષ પરિણામ મળે છે. ગાયત્રી પરિવારના પરિજનો આ બંને નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરે છે.
અનુષ્ઠાનમાં બ્રહ્મભોજન કરાવવાનું પણ વિધાન છે, પરંતુ આ બાબતમાં થોડું ચિંતન કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે એવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મપરાયણ, અપરિગ્રહી તથા લોકસેવી બ્રાહ્મણો આજે જોવા મળતા નથી. બ્રાહ્મણનો કે બીજો કોઈ ધંધો કરનારા બ્રાહ્મણોને ભોજન કરાવવાથી વાસ્તવમાં પુણ્ય મળતું નથી. આથી બ્રાહ્મણભોજન કરાવવાના બદલે બ્રહ્મભોજન એટલે કે જ્ઞાનનું દાન કરવામાં આવે તો ઉત્તમ રહેશે. ગાયત્રીને લગતાં પુસ્તકો, ગાયત્રીચાલીસા, ગાયત્રીમંત્ર લેખનની બુકો, ગાયત્રીમાતાનાં ચિત્રો, સદ્વાક્યનાં સ્ટીકરો વગેરે વસ્તુઓ પ્રસાદના રૂપમાં યથાશક્તિ વહેંચવી જોઈએ. વાસ્તવમાં આ જ સાચું બ્રહ્મભોજન છે. અન્નદાન કરતાં જ્ઞાનદાનનું પુણ્ય સોગણું વધારે માનવામાં આવ્યું છે. નવરાત્રીમાં જપ તો અનેક લોકો કરે છે, પરંતુ લોકો દરરોજ હવન કરી શકતા નથી. ગાયત્રી પરિવારના પરિજનો તો ગાયત્રીજપ તથા યજ્ઞનું મહત્ત્વ સમજે છે, પરંતુ બીજા બધા લોકો સમજી શકતા નથી. આથી પરિજનોએ બીજા બધા લોકોને પણ પોતાના કાર્યક્રમોમાં આમંત્રણ આપીને તેમને આ શ્રેષ્ઠમાર્ગે વાળવાનો પ્રયાસ કરવો જોઈએ. કેટલાક પરંપરાવાદી વિચારો ધરાવતા લોકો પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણ ભોજન તો કરાવે છે, પરંતુ જો તેમને બ્રહ્મભોજન એટલે કે જ્ઞાનદાન કરવાનું કહેવામાં આવે તો અનેક બહાનાં કાઢે છે. આથી તેમને જ્ઞાનદાનનું મહત્ત્વ સમજાવવું જોઈએ.
કોરોના જેવી સમસ્યાઓથી સૂક્ષ્મજગતનું વાતાવરણ પણ ખૂબ ઉદ્વેગભર્યું બની જાય છે. એના પરિણામે એકાગ્ર ચિત્તે તથા શાંતિપૂર્વક અનુષ્ઠાન થવું જોઈએ એ રીતે ન પણ થાય. મન તથા ચિત્તમાં ચિંતા, ચંચળતા વગેરેને લીધે જપમાં મન લાગતું નથી અને ઇચ્છિત સફળતા મળતી નથી. જેને જપમાં મન ન લાગતું હોય અથવા તો જેમને જપ કરવાનો અભ્યાસ ન હોય તેમના માટે બીજા પણ બે રસ્તા છે. એમાંનો એક છે ગાયત્રીચાલીસા અને બીજો છે ગાયત્રી મંત્રલેખન.
ગાયત્રીચાલીસાનું અનુષ્ઠાન કરવું ખૂબ સરળ છે. એમાં ઉપવાસ કરવાનું કોઈ બંધન નથી. સ્નાન કરીને સવારે કે – સાંજે અથવા તો દિવસમાં ગમે તે સમયે ગાયત્રી ચાલીસાના – ૩૦ પાઠ કરવા જોઈએ. આ રીતે આઠ દિવસમાં ૨૪૦ – પાઠ પૂરા થઈ જશે. દરરોજ હવન કરીને ૨૪ વાર – ગાયત્રીમંત્રથી તથા પાંચ વાર મહામૃત્યુંજય મંત્રથી – આહુતિઓ આપવી જોઈએ અને નવમા દિવસે પૂર્ણાહુતિ કરવી જોઈએ . બ્રહ્મભોજના રૂપમાં ૨૪૦ ગાયત્રીચાલીસાની પુસ્તિકાઓ વહેંચવી જોઈએ.
ગાયત્રીમંત્રલેખનની સાધના ખૂબ સરળ છે. એના માટે સમય તથા સ્થાનનો કોઈ પ્રતિબંધ નથી. સવારે સ્નાન કરીને મંત્રલેખન કરવામાં આવે તો ઉત્તમ છે. આ ઉપરાંત દિવસમાં જયારે પણ સમય મળે ત્યારે કે રાત્રે પણ કરી શકાય. દુકાનમાં બેસીને પણ મંત્રલેખન સાધના કરી શકાય છે. મંત્રલેખનનું ફળ જપ કરતાં દસગણું માનવામાં આવ્યું છે, તેથી ચોવીસસો મંત્રલેખનની એક બુક લખવાથી એક લઘુ અનુષ્ઠાન પૂરું થઈ જાય છે. મંત્રલેખન અનુદાન કરનારે પણ પૂર્ણાહુતિ યજ્ઞમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. મંત્રલેખન સુંદર અક્ષરે, નિયમિત રીતે અને એકાગ્રતાપૂર્વક કરવાથી તેનું વિશેષ ફળ મળે છે.
ગાયત્રીમંત્રલેખનનું મહત્ત્વ તથા ફળ ઓછું માનવું ન જોઈએ. મંત્રજપ કરતાં તે કોઈ રીતે ઊતરતું નથી. મંત્રજપ કરતી વખતે મન આમતેમ ભાગતું રહે છે, પરંતુ ગાયત્રીમંત્ર લખતી વખતે હાથ, આંખો તથા મગજ એ ત્રણેય કામ કરે છે. ચિત્ત પણ એકાગ્ર રહે છે. આનું કારણ એ છે કે લખતી : વખતે એકાગ્રતા જરૂરી હોય છે. મન વશમાં રહે છે. આથી મંત્રલેખનનું મહત્ત્વ વધી જાય છે. જપ કરવાથી માણસને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ મંત્રજપ કરતો લેખનનું મહત્ત્વ વિશેષ છે. હવનથી મંત્રમાં પ્રાણ ફૂંકાય છે. જપથી મંત્ર જાગ્રત થાય છે અને લખવાથી મંત્રની શક્તિ આત્મામાં પ્રકાશિત થાય છે. સાધનાની સિદ્ધિ માટે અનેક માર્ગ છે. એ બધામાં મંત્રલેખન વધારે શ્રેષ્ઠ છે. શ્રદ્ધાપૂર્વક જો શુદ્ધ મંત્ર લખવામાં આવે તો તેનું ફળ અવશ્ય દશગણું વધારે મળે છે.દરરોજ શ્રદ્ધાપૂર્વક ગાયત્રીમંત્ર લખવાથી વેદમાતા ગાયત્રી સાધક પર અત્યંત પ્રસન્ન થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૨૧