આદિગુરુ શંકરાચાર્યતીર્થોનો પુનરુદ્ધાર કરતાં કરતાં કાશી પહોંચ્યા. ત્યાં ગંગાતટે વિચરણ કરતી વખતે તેમની નજર ગંગાના સામા કિનારે ગઈ. ત્યાં એક ભદ્રપુરુષ ઊભા હતા. તેઓ એમને માથું નમાવીને પ્રણામ કરી રહ્યા હતા. શંકરાચાર્યેતેમને પોતાની તરફ આવવાનો ઈશારો કર્યો.
તે ભદ્રપુરુષનું નામ સનંદન હતું. તેઓ શંકરાચાર્ય પાસે દીક્ષા લેવા જ કાશી આવ્યા હતા. ગુરુની આજ્ઞા મળતાં જ સનંદન ગંગાના પાણીમાં ઊતર્યા. તેમની ભક્તિ અને શંકરાચાર્યના તપના પ્રભાવથી પાણીમાં પગ મૂકતાં જ ગંગામાં મોટા કદનાં કમળપત્રો પેદા થઈ ગયાં. તેમની પર પગ મૂકીને સનંદન શંકરાચાર્ય પાસે આવી ગયા. તે દિવસે કાશી નગરી શિષ્યની પાત્રતા અને ગુરુના ગુરુત્વની સાક્ષી બની. સનંદને શંકરાચાર્ય પાસેથી દીક્ષા લીધી. તેઓ અદ્વૈત મતના મહાન પ્રચારક બન્યા. કમળપત્રો પર પગ મૂકીને ગંગા પાર કરવાના કારણે તેમનું નામ પદ્મપાદ પડ્યું.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021