હેમકૂટ રાજ્યના રાજકુમાર જીમૂતવાહન પોતાના મિત્રો સાથે સમુદ્રકિનારે ભ્રમણ કરવા નીકળ્યા. માર્ગમાં એક નાનો પર્વત આવ્યો. તેનું નામ ગોકર્ણ હતું. તેમણે જોયું કે ત્યાં અસ્થિઓના મોટા મોટા ઢગલા હતા. તે જોઈને રાજકુમારે પોતાના મિત્ર વસુને તેનું કારણ પૂછ્યું. વસુએ કહ્યું કે આ નાગોનાં અસ્થિઓનો ઢગલો છે. નાગો તથા ગરુડો વચ્ચે બહુ જૂની દુશ્મનાવટ છે. નાગોમાં ગરુડો જેટલું શારીરિક બળ નથી, તેથી એમણે સમજૂતી કરી છે કે દરરોજ એક નાગ ગરુડ પાસે જશે અને તેના ક્રોધને શાંત કરશે.
આવું સાંભળીને રાજકુમારનું હૃદય દ્રવી ઉઠ્યું, આથી તેમણે એ અન્યાયને દૂર કરવાની પ્રતિજ્ઞા કરી, પરંતુ તેમનામાં પણ ગરુડને પરાજિત કરવાની શક્તિ ન હતી. આથી એક દિવસ તેઓ નાગનું રૂપ ધારણ કરીને ગરુડ પાસે પહોંચી ગયા. ગરુડે તેમનો ખાત્મો બોલાવી દીધો, પરંતુ તેને આશ્ચર્ય એ વાતનું થયું કે દરરોજ નાગ મૃત્યુ વખતે તરફડતા હતા, પરંતુ આ નાગ કેમ તરફડતો નથી? પછી તપાસ કરતાં તેને ખબર પડી કે તે દિવસે રાજકુમાર જીમૂતવાહન નાગ બનીને આવ્યા હતા. આવી ખબર પડતાં તેને અત્યંત દુખ થયું. તેણે કહ્યું કે સંસારમાં એવી પણ વિભૂતિઓ હોય છે કે જે પરોપકાર માટે પોતાનો પ્રાણ પણ આપી દે છે. બીજી બાજુ મારા જેવો દુષ્ટ પણ છે, જે પોતાની શત્રુતાના કારણે અનેક નિર્દોષોને મારી નાખે છે. એ દિવસથી ગરુડે નાગોને મારવાનું બંધ કરી દીધું. જીમૂતવાહને પોતાના પ્રાણની આહુતિ આપીને બીજા અનેક જીવોના પ્રાણ બચાવ્યા. આવું ઉમદા કાર્ય કરીને તેઓ અમર થઈ ગયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022