એકવિશાળ વનમાં દર વર્ષે પક્ષીઓની હરીફાઈ થતી હતી. બધાં પક્ષીઓ પોતપોતાની કુશળતા તથા શક્તિનું પ્રદર્શન કરતાં હતાં. કોયલ ગાવામાં, મોર નાચવામાં તથા સુંદરતામાં, પોપટ ભાષણ કરવામાં અને બગલો નાટકમાં હંમેશાં જીતી જતો. મોરોને એટલાથી સંતોષ થતો ન હતો. તેઓ બધાં જ ઈનામો જીતીને પક્ષીઓ પર પોતાની ધાક જમાવવા ઈચ્છતા હતા. આ માટે તેમણે એક પ્રતિનિધિને માતા સરસ્વતી પાસે મોકલ્યો.
મોરોના તે પ્રતિનિધિનું નામ ધનાનંદ હતું. તેણે સરસ્વતી માતાને કહ્યું કે દેવીજી! આપ તો સર્વશક્તિમાન છો, તેથી કૃપા કરીને અમને કોયલ જેવો અવાજ કબૂતર જેવા પગ તથા નીલકંઠ જેવું ગળું આપો, જેથી અમે વધારે માં વધારે ઈનામો જીતી શકીએ.
ધનાનંદની વાત સાંભળીને માતા સરસ્વતીએ કહ્યું કે ધનાનંદ ! ભગવાને બધાને જુદી જુદી વિશેષતા આપી છે. આથી બીજાં બધાં પક્ષીઓની તમે લોકો ઈર્ષા ન કરશો. શરીર તો ભગવાને બનાવ્યું છે, તેથી એને તો બદલી શકાતું નથી, પરંતુ સ્વભાવ તો બદલી શકાય છે. તમે લોકો તમારા સ્વભાવને ઉત્તમ બનાવો તથા સદગુણી બનો. એનાથી તમને બધાનો પ્રેમ પ્રાપ્ત થશે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022