વિધાતાએ સૃષ્ટિ રચનાના દિવસોમાં મનુષ્યને આશીર્વાદરૂપે પ્રતિભા વહેંચી. પ્રતિભાના બળ પર મનુષ્યએ અનેક દિશાઓમાં ઉન્નતિ કરી અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન વિતાવવા લાગ્યો. સમય બદલાયો, પ્રતિભાની પાછળ સ્વાર્થધતા જોડાઈ ગઈ. ફળ સ્વરૂપ બધાજ લોભ, પરાભવ, પતનની ખાઈમાં ઘકેલાતા ગયા.
સમાચાર સૃષ્ટિકર્તા સુધી પહોંચ્યા, તે દુઃખી થયા. સ્થિતિ સુધારવા માટે તેમણે દેવદૂત મોકલ્યા. તેમણે વિપત્તિઓનાં કારણ સમજાવ્યાં અને પછી સ્થિતિને સુધારવા માટે મનઃસ્થિતિને બદલવા, માર્ગદર્શન આપવામાં કોઈ કસર બાકી ન રાખી. લોકો આદતોમાં એટલા અભ્યસ્ત થઈ ચૂક્યા હતા કે બદલાવાનું તો ઠીક, ઊલટું દેવદૂતોનો ઉપહાસ કરવા લાગ્યા અને ત્રાસ આપવા લાગ્યા. વિવશ થઈ તેઓ પાછા જતા રહ્યા. દુર્ગતિગ્રસ્ત મનુષ્યની દુર્ગતિ દિવસે દિવસે વધારે થતી ગઈ. આ વખતે માનવીઓએ સ્વયં વિધાતાને પ્રાર્થના કરી અને વ્યથાનો નવો ઉપાય બતાવવાની વિનંતી કરી. વિધાતાએ આ વખતે વધુ તાકાતવાન દેવદૂત મોકલ્યા, પરંતુ એવી શરત સંભળાવી કે જે પોતાનો સહયોગ સ્વયં કરશે, તેમને સહાયતા કરવામાં આવશે, તેમનાં જ દુઃખ-દારિદ્ઘ દૂર થશે. તે જ ક્રમ આજ સુધી ચાલતો આવ્યો છે, કેવી સહાયતા તેમને જ ઉપલબ્ધ થાય છે, જે પોતે જ પોતાની સહાયતા કરે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2003