એવો પ્રશ્ન થાય છે કે મનુષ્ય મૂળરૂપે કોણ છે અને તેની જન્મજાત પ્રવૃત્તિઓ કઈ છે? એનો જવાબ એ છે કે તે ઈશ્વરનો શ્રેષ્ઠ રાજકુમાર છે અને ભગવાને પોતાના વિશ્વરૂપી ઉદ્યાનને સુંદર બનાવવા માટે એક કુશળ માળી તરીકે તેને ધરતી પર મોકલ્યો છે. એના માટે તેને મૂલ્યવાન શરીર, ઉત્કૃષ્ટ મન અને શ્રેષ્ઠતમ ભાવનાઓની ભેટ આપવામાં આવી છે.
સામાન્ય રીતે માણસની તુલના પશુઓ સાથે કરવામાં આવે છે. એના કારણે જ તેનું જીવન એવું બની જાય છે, પરંતુ આપણાં શાસ્ત્રોની દષ્ટિએ આ વાત સાચી નથી. ભારતનું અધ્યાત્મ માનવજીવનને દેવત્વ પ્રાપ્ત કરવાનું સાધન માને છે. માણસ પૂર્ણ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો છે અને જો તે પૂર્ણની પ્રાપ્તિ ન કરે તો અધૂરો જ રહેશે.
મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો બહુ ઓછી છે. કોઈપણ માણસ પરિશ્રમ કરીને સહેલાઈથી તેમને પૂરી કરી શકે છે. જો એટલાથી જ તે સંતુષ્ટ રહે તો તે આત્મવિકાસ અને લોકમંગલ માટે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. જો તે આટલું કરી શકે તો સૌભાગ્યશાળી બનીને જીવનમાં સંતોષ પ્રાપ્ત કરી શકે છે. જો જીવનને દેવોપમ બનાવવાની પ્રબળ ઇચ્છા હોય તો વિપરીત પરિસ્થિતિ પણ તેનો માર્ગ રોકી શકતી નથી. જો મનુષ્ય ગુણ, કર્મ તથા સ્વભાવને ઉત્કૃષ્ટ બનાવીને આત્મસુધાર કરી શકે તો. તેનામાં દેવત્વ જાગૃત થઈને આ ધરતી સ્વર્ગ જેવી સુંદર બની શકે. આજે આની તાતી જરૂર છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022