જેતવનમાં એક ખેડૂત રહેતો હતો. તે ભયંકર ગરમીમાં પણ પોતાનાં ખેતરોમાં કામ કરતો હતો. ભગવાન બુદ્ધ સવારે ફરવા જાય ત્યારે ત્યાં થઈને નીકળતા. એ વખતે ખેડૂત ખૂબ વિનમ્રતાપૂર્વક તેમને પ્રણામ કરતો. તેની વિનમ્રતા તથા સાત્વિકતાના કારણે બુદ્ધ અત્યંત પ્રભાવિત થઈ ગયા. આથી તેઓ દરરોજ ત્યાં રોકાઈને તેને ઉપદેશ આપતા. થોડાક દિવસો પછી ખેડૂતનો પાક તૈયાર થઈ ગયો ત્યારે ખેડૂતે વિચાર કર્યો કે ભગવાન બુદ્ધના ઉપદેશથી મને ખૂબ શાંતિ મળી છે, આથી હું મારી ઉપજનો ચોથો ભાગ ભગવાન બુદ્ધને દાનમાં આપીશ.
એ જ રાતે અચાનક ભારે માવઠું થયું અને તેનો પાક પડી ગયો. ખેડૂતે જ્યારે તે જોયું તો તેને ખૂબ દુખ થયું. બીજા દિવસે જ્યારે બુદ્ધ ત્યાં ગયા ત્યારે શોકથી વ્યાકુળ બનેલો ખેડૂત તેમને જોતાંજ રડી પડ્યો. તેણે કહ્યું કે ભગવ!પાક નષ્ટ થઈ જવાના કારણે હુંદુખી નથી, પરંતુ મેં ચોથા ભાગની ઉપજ આપને આપવાનો સંકલ્પ કર્યો હતો તે મારો સંકલ્પ પૂરો નહિ થાય એનું મને દુખ છે. બુદ્ધે કહ્યું કે વત્સ!તે સંકલ્પ કરીને જ પુણ્ય મેળવી લીધું છે. હું તો આમ પણ ધન કે અન્નનો સંગ્રહ નથી કરતો. તેઓ તેને હિંમત આપતાં સમજાવવા લાગ્યા કે કુદરતી આપત્તિ આવે ત્યારે કદાપિ ધીરજ ન ખોવી જોઈએ. એને જ નિષ્કામ કર્મ કહે છે. એ જ કલ્યાણનો માગે છે. તેમનાં જ્ઞાનયુક્ત તથા સહાનુભૂતિભર્યા વચનો સાંભળીને તે શોકમાંથી મુક્ત થઈ ગયો અને ફરીથી પુરુષાર્થ કરવામાં વ્યસ્ત થઈ ગયો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022