શીખ સંપ્રદાયના ચોથા ગુરુ શ્રીરામદાસના અનેક શિષ્યો હતા. એ શિષ્યોમાં અર્જુનદેવ પણ હતા. અર્જુનદેવે આશ્રમમાં પ્રવેશ મેળવીને ગુરુદીક્ષા લીધી. ત્યાં તેમને વાસણ માંજવાનું કામ સૌપવામાં આવ્યું. તેઓ સવારથી સાંજ સુધી વાસણ માંજતા તથા આશ્રમનાં બીજાં કાર્યો પણ કરતા. બીજા બધા શિષ્યો પૂજાપાઠકે ધર્મચર્ચા કરતા, પરંતુ અર્જુનદેવ તો ગુરુના આદેશપ્રમાણે પોતાને સોપેલું કામ જ કરતા રહેતા. ગુરુના મૃત્યુનો સમય નજીક આવ્યો. પોતાના પછી ગુરુનું પદ કોને મળે એ તેમણે લખી રાખ્યું હતું. બધા શિષ્યો પોતે જ વધારે લાયક છે એવું માનીને વિચારતા હતા કે ગુરુપદ મને જ મળશે, પરંતુ ગુરુએ લખેલો પત્ર જ્યારે તેમના મૃત્યુ પછી ખોલવામાં આવ્યો ત્યારે તેમણે અર્જુનદેવને પોતાનો વારસદાર નિયુક્ત કર્યો હતો. બધાને આશ્ચર્ય થયું કે અર્જુનદેવમાં તો બીજા બધા કરતાં ઓછી યોગ્યતા છે છતાં તેમને આ પદ કેમ આપવામાં આવ્યું? તેમની જિજ્ઞાસાનું સમાધાન કરતાં એક જ્ઞાનીએ તેમને કહ્યું કે સેવા, શ્રદ્ધા, શિસ્ત અને સમર્પણ જ શિષ્યની સૌથી મોટી યોગ્યતા છે. અર્જુનદેવ શીખધર્મના પાંચમા ગુરુ બન્યા. તેમની વિનમ્રતા, શ્રદ્ધા અને સેવાભાવનાના કારણે જ તેમને એ પદ પ્રાપ્ત થયું હતું.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022