ગ્રીસના એક વિચારકે પોતાના મિત્રને કહ્યું કે મે લોકોને સચ્ચાઈ અને સદાચારનું શિક્ષણ આપવાની યોજના ઘડી છે. વિદ્યાલય બનાવવા માટે સ્થાન પણ પસંદ કરી લીધું છે, પરંતુ વિદ્યાધ્યયન માટે વિદ્યાર્થીઓ મળતા નથી. મિત્રે કટાક્ષ કરતાં કહ્યું કે તમે થોડાં ઘેટાં ખરીદી લો અને તેમને ભણાવવા માંડો. તમારી યોજના માટે માણસો તો મળવા મુશ્કેલ છે.
ખરેખર થયું પણ એવું જ. ફક્ત બે જ યુવકો તેમની પાસે આવ્યા. તેમના ઘરવાળા તેમનાથી ત્રાસી ગયા હતા અને મહોલ્લાના લોકો તેમને અર્ધપાગલ માનતા હતા. તેમણે બંનેએ એ વૃદ્ધ વિચારક પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને પછી જ્યારે તેઓ ઘર પાછા ગયા ત્યારે તેમનો વ્યવહાર તથા આચારવિચાર જોઈને લોકો અત્યંત પ્રસન્ન થઈ ગયા. પછી તો એ વિદ્યાલયમાં એટલા બધા વિદ્યાર્થીઓ આવ્યા કે તે એક મોટું વિશ્વવિદ્યાલય બની ગયું. પેલા બંને વિદ્યાર્થીઓમાંનો એક ગ્રીસનો મુખ્ય સેનાપતિ બની ગયો અને બીજો મુખ્ય સચિવ બન્યો. એવિદ્યાલયના પ્રખ્યાત સ્થાપકનું નામ જીનો હતું. તેમની પાઠશાળા “જીનોની પાઠશાળા’ના નામે ખૂબ પ્રખ્યાત થઈ. જો સંયમ અને ધીરજપૂર્વક પ્રયાસ કરવામાં આવે તો અંતે અવશ્ય સફળતા મળે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022