એક વાર લક્ષ્મીજી સ્વર્ગમાંથી ધરતી પર આવ્યાં અને લોકોને ભેગાં કરીને કહ્યું, ‘મનમાન્યું વરદાન માંગી લો.” માગનારની ભીડ ભેગી થવા લાગી. ધરતીએ દેવીરૂપે પ્રગટ થઈને કહ્યું, ‘બાળકો! મફતનું ધન ન લો. તેનાથી તમે કમોતે મરશો.” પણ કોઈએ એમનું કહેવું સાંભળ્યું નહિ. વરદાન માગતા ગયા અને પ્રસન્ન થતા ગયા. દીધા પછી લક્ષ્મીજી પાછાં જતાં રહ્યાં. જેમને ધન મળ્યું હતું, તેમણે કામધંધા બંધ કરી દીધા. મોજમજા કરવા લાગ્યા. આ રીતે થોડાં વર્ષો વીતી ગયાં. કોઈ ખેતર, કારખાને ન ગયા. પરિણામે આવશ્યક વસ્તુઓ ખતમ થતી ગઈ. દુકાળ પડવા માંડ્યો અને લોકો ભૂખે મરવા લાગ્યા. જો કે સોનાચાંદીના કોઠારો ભરેલા પડ્યા હતા.
ધરતીએ લાંબો સ્વાસ લેતાં કહ્યું, ‘મફતના ધન સાથે અનેક દુર્ગુણો જોડાયેલા હોય છે. પરિશ્રમની કમાણીમાં સંતોષ રાખ્યો હોત, તો મારાં બાળકોની આજે આ દુર્ગત શું કામ થાત?’
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓક્ટોબર 2003