દોરડું સાપ જેવું લાગે અને ઝાડી ઝાંખરામાં ભૂત છે એવો ભાસ થાય ત્યારે શરીરમાં કંપારી છૂટે છે. મન ભયભીત બની જાય છે. શરીર પરસેવાથી તરબોળ બની જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે. આને જ ભય કહે છે. તે અજ્ઞાન વડે ઉત્પન્ન થાય છે. ભય એ આપણા જીવનનો મહાશત્રુ છે તથા સૌથી ખરાબ બીમારી અને સૌથી મોટું પાપ છે. માનસચિકિત્સકોના મત પ્રમાણે આ એક પ્રકારની મનોવ્યથા છે જેનો દુપ્રભાવ વ્યતિથી માંડીને સામાજિક, આર્થિક અને બીજા અનેક ક્ષેત્રો પર જોઈ શકાય છે.
વર્તમાન વિશ્વમાં જેનો વ્યાપાર સૌથી વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે તે કોઈ ઉત્પાદિત ચીજ-વસ્તુ નથી, પરંતુ તે છે “ભય’. આપણે જેને આધુનિક સભ્યતાનો ગઢ માનીએ છીએ તે પશ્ચિમી સમાજ ભયની વેચાર-ખરીદીનું એક વિશાળ બજાર બની ગયો છે. ત્યાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, ‘વધુ ભય ઉત્પન્ન કરો, વધુ સફળ બનો.’ છેલ્લાં પાંચ વર્ષમાં હોલીવૂડમાં જેટલી ફિલ્મોનું નિર્માણ થયું છે, તે તમામમાં ભય અને આતંકને વ્યાપક પ્રમાણમાં ચીતરવામાં આવ્યા છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2002