સંવત ૧૭૪૦માં ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. મનુષ્યો તથા પ્રાણીઓ ભૂખે મરતાં હતાં. તે વખતના રાજાએ યજ્ઞો કરાવ્યા અને સાધુઓ પાસે પણ પ્રાર્થના કરાવડાવી, પરંતુ કોઈ લાભ ન થયો. એ વખતે એક વિદ્વાન વ્યક્તિએ રાજાને કહ્યું કે જો ફલાણા વ્યાપારી ઈચ્છે તો વરસાદ થઈ શકે. રાજાએ તે વેપારીને ત્યાં જઈને તેમને વરસાદ માટે પ્રાર્થના કરવાનું કહ્યું. વેપારીએ કહ્યું કે મહારાજ! હું તો તુચ્છ મનુષ્ય છું. મારામાં એવી કોઈ શક્તિ નથી, પરંતુ રાજાએ તો પોતાની જીદ પકડી રાખી, આથી વેપારી પોતાનાં ત્રાજવાં લઈને બહાર આવ્યો અને કહ્યું કે જો મેં આ ત્રાજવાંથી હંમેશાં સત્ય અને ઈમાનદારીપૂર્વક તોલ્યું હોય તો દેવરાજ ઈન્દ્ર વરસાદ વરસાવે. ઈમાનદારીમાં બહુ મોટી શક્તિ હોય છે. વેપારીએ પોતાની વાત પૂરી કરી ત્યાં તો વરસાદ વરસવા લાગ્યો અને પછી તો ધોધમાર વરસાદ થયો. આથી રાજા અને પ્રજાજનો અત્યંત આનંદવિભોર થઈ ગયાં.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022