છત્રપતિ શિવાજી મહારાજના દરબારમાં ઉત્સાહનું વાતાવરણ હતું. મહારાષ્ટ્રના એક | પછી એક કિલ્લો જીતવામાં આજે શિવાજીને એક ખૂબ મહત્ત્વનો વિજય મળ્યો હતો. તેમણે કલ્યાણના કિલ્લા પર વિજય મેળવ્યો હતો. તે કિલ્લો અજેય ગણાતો હતો. આથી તેના પર વિજય મેળવવાના કારણે શિવાજીના સૈનિકોમાં કોઈ ઉત્સવ જેવો આનંદ હતો. તેઓ જીતીને લાવેલી વસ્તુઓ શિવાજી મહારાજની આગળ રજૂ કરી રહ્યા હતા. સૌપ્રથમ તેમણે હીરા-ઝવેરાત હાજર કર્યા. શિવાજીએ તે બધાને રાજ્યભંડારમાં જમા કરવાનો આદેશ આપ્યો, જેથી એ ધન દ્વારા પ્રજાનું કલ્યાણ કરી શકાય.
આમ બધી વસ્તુઓ તેમની સામે રજૂ કરવામાં આવી રહી હતી ત્યારે સેનાપતિ મોરોપંતે સહેજ સંકોચપૂર્વક શિવાજી મહારાજને કહ્યું કે મહારાજ ! સૈનિકો કલ્યાણના કિલ્લામાંથી આપના માટે કંઈક ભેટ લાવ્યા છે. આપ તેને જોવા ઈચ્છો તો રજૂ કરીએ. શિવાજીએ સંમતિ આપતાં મોરોપંતે દરબારમાં એક પાલખી મંગાવી અને કહ્યું કે મહારાજ ! આમાં કલ્યાણના સૂબેદાર મુલ્લા અહમદની સુંદર પુત્રી ગોહરબાનુ છે. મોગલોમાં જીતેલા રાજ્યની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનોરિવાજ છે, તેથી અમે પણ ગૌહરબાનુને આપની સેવામાં લઈ આવ્યા છીએ.
આવું સાંભળીને શિવાજી દુખી થઈ ગયા. તેમણે જરા ગુસ્સે થઈને કહ્યું કે મોરોપંત! તમે આટલાં વર્ષો સુધી મારી સાથે રહ્યા, છતાં મને ઓળખીનશક્યા. શિવાજીએ પરસ્ત્રીને માતા માની છે, તેથી ગોહરબાનુને સન્માનપૂર્વક તેના પિતાની પાસે મૂકી આવો. છત્રપતિ શિવાજીના આવા પવિત્ર વ્યવહારે સાબિત કરી દીધું કે આપણી સંસ્કૃતિ નારીને પવિત્ર માનીને તેને સન્માન આપે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022