વિદુરજીએ જ્યારે જોયું કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન અનીતિ કરવાનું છોડતા નથી ત્યારે તેમણે વિચાર્યું કે તેમનું સાંનિધ્ય અને તેમનું અન્ન મારી વૃત્તિઓને પણ પ્રભાવિત કરશે. એટલે તેઓ નગરની બહાર વનમાં કુટિર બનાવીને પોતાની પત્ની સુલભા સાથે રહેવા લાગ્યા. જંગલમાંથી ભાજી તોડી લાવતા, બાફીને ખાઈ લેતા અને સત્કાર્યોમાં, પ્રભુસ્મરણમાં સમય પસાર કરતા.
શ્રીકૃષ્ણ જ્યારે સંધિદૂત બનીને ગયા અને વિષ્ટિ નિષ્ફળ ગઈ તો તેઓ ધૃતરાષ્ટ્ર દ્રોણાચાર્ય વગેરે સૌનાં આમંત્રણનો અસ્વીકાર કરીને વિદુરજીને ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
વિદુરજીને સંકોચ થયો કે પ્રભુને શાક પીરસવું પડશે. પૂછયું, “આપ ભૂખ્યા હતા, ભોજનનો સમય પણ હતો અને એ લોકોનો આગ્રહ પણ હતો, તો પછી આપે ત્યાં ભોજન કેમ ન કર્યું?”
ભગવાન બોલ્યા, “ચાચાજી! જે ભોજન કરવાનું આપને યોગ્ય ન લાગ્યું, જે આપના ગળે ન ઊતર્યું, તે મને પણ કેવી રીતે ભાવે? જેમાં તમને સ્વાદ મળ્યો, એમાં મને સ્વાદ નહિ મળે એવું આપ કેવી રીતે વિચારો છો?” – વિદુરજી ભાવવિહવળ થઈ ગયા.
પ્રભુના સ્મરણ માત્રથી જ્યારે આપણને પદાર્થ નહિ, સંસ્કાર પ્રિય લાગવા માંડે છે, તો સ્વયં પ્રભુની ભૂખ પદાર્થોથી કેવી રીતે સંતોષાઈ શકે? એમને તો ભાવના જોઈએ. તેની તો વિદુર દંપતી પાસે ક્યાં કમી હતી?! ભાજીના માધ્યમથી એ જ દિવ્ય આદાન-પ્રદાન ચાલ્યું. બન્ને ધન્ય થઈ ગયાં.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003