મિત્રો ! મને એક ઘટના યાદ છે. ઇંગ્લેન્ડમાં જ્યારે સૌથી પહેલી રેલગાડી ચલાવવામાં આવી, તો સૌથી પહેલાં એ વિચાર કરવામાં આવ્યો કે રાણી વિક્ટોરિયાને આમાં સૌથી પહેલી સફર કરાવવી. વિક્ટોરિયા સૌથી પહેલી રેલગાડી પર સવાર થઈ. રાણીને તેમાં બેસાડીને ત્યાંની ગવર્નમેન્ટ થોડે દૂર સુધી લઈ ગઈ. રાણીની દેખરેખ માટે, રેલગાડીની દેખરેખ માટે બોડીગાર્ડને બેસાડી દેવામાં આવ્યા, મિલિટરી બેસાડી દેવામાં આવી. બધી વ્યવસ્થા કરી દેવામાં આવી, જેથી ક્યાંક એવું ન થાય કે કોઈક જોખમ ઊભું ન થઈ જાય. રાત્રે રેલગાડી સફર કરી રહી હતી, તો એ વખતે રસ્તા પર એક બહુ મોટો હાથી ચાલતો દેખાયો. ડ્રાઈવરે વ્હીસલ વગાડી. તેણે જોયું કે હાથી રસ્તાના કિનારે કિનારે ચાલી રહ્યો છે. અને એવું પણ થઈ શકે કે ક્યાંક તે ગાડીને ટક્કર મારી દે અને ગાડી પલટી ખાઈ જાય. એટલે તેનો મુકાબલો કરવો જોઈએ. પાછળ પાછળ ચાલી રહેલા બોડીગાર્ડ એન્જિન પાસે આવી ગયા. દૂરબીન લગાવી રાખેલું હતું, તેમણે જોયું કે હાથી બરાબર ચાલી રહ્યો હતો. હાથી બહુ ખોફનાક હતો. તેની સૂંઢ મોટી હતી અને પૂંછડી પણ મોટી હતી. બહુ મોટો તગડો હાથી હતો.
તેને ભગાડવા માટે તેમણે સ્ટેનગન તૈયાર કરી અને તેમાં કારતૂસ નાંખ્યા અને મોરચો સંભાળી લીધો. હાથી પર અસંખ્ય ગોળીઓ ચલાવવામાં આવી, પણ હાથી ટસનો મસ ન થયો. રેલગાડીની સામે તે જેમનો તેમ ચાલી રહ્યો હતો. હવે શું કરવું ? ગાડીને રોકી દેવામાં આવી, કદાચ હાથી ચાલ્યો જાય. હાથી પણ ઊભો રહી ગયો. રેલગાડી ફરી ચાલવા લાગી, હાથી પણ ચાલવા લાગ્યો. રેલગાડીને ઝડપથી ભગાવી તો હાથી પણ ઝડપથી ચાલવા લાગ્યો. હવે શું કરવું ? હાથી બહુ ખોફનાક હતો. એનાથી બધા ડરી ગયા. હવે શું કરવું ? મિલિટરીવાળાએ કહ્યું કે આ હાથી એમ નહિ જાય. એ ગાડીની આગળ આગળ ચાલી રહ્યો છે, એટલે આપણે લોકો તેની પાસે જઈશું અને જબરદસ્ત ગોળીબાર કરીશું. તેમણે જમીન પર સુઈને પોઝીશન લઈ લીધી અને ધીરેધીરે ચાલતા તેઓ ત્યાં સુધી પહોંચી ગયા. હાથી ગાયબ થઈ ગયો, અરે ભાઈ ! આ તો કોઈ ભૂત છે. હવે શું કરવું ? ઇન્ક્વાયરી કરવામાં આવી કે આ ભૂત ક્યાંથી આવે છે અને શું છે ?
ઘણીવાર સુધી શોધખોળ કર્યા પછી ખબર પડી કે રેલગાડીમાં જે લાઈટ લગાવવામાં આવી હતી, તેના કાચ પર એક બહુ જ મોટો તીતીઘોડો બેઠેલો હતો. તીતીઘોડાનો પડછાયો પ્રકાશમાં થઈને રસ્તા પર પડતો હતો અને એ હાથી લાગતો હતો.
અહાહાહા ! તો આ તીતીઘોડો હતો. એ હાથીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. લાઈટ પર જે તીતીઘોડો બેઠેલો હતો તેને પકડી લેવામાં આવ્યો. પકડી લીધા પછી એ તીતીઘોડો આજે પણ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં રાખેલો છે. તેની નીચે લખ્યું છે કે – આ એ હાથી છે, જેણે રાણીની ગાડીને ચાર કલાક સુધી ડિલે કરી અને જેને મારવા માટે ચારસો રાઉન્ડ કારતૂસ ચલાવવામાં આવ્યા. લાકડાંના પાટિયા પર તેને ચિપકાવી દેવામાં આવ્યો. ઈંગ્લેન્ડના શાહી મ્યુઝિયમમાં તે આજે પણ રાખેલો છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6