કેટલાક લોકો એક વડના ઝાડ નીચે બેસી વાર્તાલાપ કરી રહ્યા હતા. બધા દુનિયાની ઝંઝટોથી પરેશાન થઈ ભાગી આવ્યા હતા અને સાધુ બનવા માંગતા હતા.
એક વ્યક્તિએ કહ્યું – “આપણે બધા મળીને જંગલમાં રહીશું અને તપસ્યા કરીશું, પરંતુ એનો તો વિચાર કરો કે જયારે ઈશ્વર વરદાન માંગવા માટે કહેશે, તો શું માંગશો ?”
બીજાએ કહ્યું – “અનાજ માંગીશું, તેના વગર જીવિત રહેવું શક્ય નથી.”
ત્રીજાએ કહ્યું – ‘“બળ માંગીશું, બળ વિના બધું જ નિરર્થક છે.”
ચોથાએ કહ્યું – “બુદ્ધિ માંગવી વધારે ઉચિત છે. દરેક કાર્ય કરતાં પહેલાં બુદ્ધિની આવશ્યકતા હોય છે.”
પાંચમાએ કહ્યું- “આ બધી વસ્તુઓ તો સાંસારિક છે. આત્મ-શાંતિ માંગીશું, જે મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે.”
ત્યારે પહેલી વ્યક્તિએ કહ્યું – “તમે બધા મૂર્ખ છો. આપણે સ્વર્ગ જ કેમ ન માંગી લઈએ ? ત્યાં એકી સાથે બધું પ્રાપ્ત થશે.” આ સાંભળી વિશાળ વટવૃક્ષ અટ્ટહાસ્ય કરતું બોલ્યું – “મારી વાત માનો, તમારાથી તપસ્યા થઈ શકશે નહીં કે તમને ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે નહીં, કેમ કે જો એટલું મનોબળ હોત તો સંસારથી ગભરાઈને ભાગત નહીં. ભગવાન પાસે જવા માટે અસાધારણ આત્મબળ જોઈએ, પહેલાં એની સાધના કરો, પછી આગળની વાત વિચારજો.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6