એકવાર રાજાએ પોતાના મંત્રીને પૂછયું. “ શું ગૃહસ્થ જીવનમાં રહીને પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે ? મંત્રીએ જવાબ આપ્યો- શ્રીમાન ! એવું થઈ શકે છે. રાજાએ પૂછ્યું – એ કેવી રીતે શક્ય છે ? મંત્રીએ જવાબ આપ્યો કે તેનો યોગ્ય ઉત્તર એક મહાત્માજી આપી શકે છે, જે ગોદાવરી નદી પાસે એક ગાઢ વનમાં રહે છે.
રાજા પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે બીજે દિવસે મંત્રીને સાથે લઈને તે મહાત્માને મળવા ચાલી નીકળ્યો.
થોડે દૂર જઈને મંત્રી કહ્યું- મહારાજ! એવો નિયમ છે કે જે તે મહાત્માને મળવા જાય છે, તે રસ્તામાં ચાલતાં કીડી-મંકોડાને બચાવીને ચાલે છે. જો એક પણ કીડી પગથી કચડાઈ ગઈ, તો મહાત્માજી શ્રાપ આપે છે. રાજાએ મંત્રીની વાત સ્વીકારી લીધી અને ખૂબ ધ્યાનપૂર્વક આગળથી જમીન જોઈ જોઈને પગ મૂકવા માંડયા, આવી રીતે ચાલતાં તેઓ મહાત્માજીની પાસે જઈ પહોંચ્યા.
મહાત્માએ બંનેનો સત્કાર કરીને બેસાડયા અને રાજાને પૂછ્યું- આપે રસ્તામાં શું જોયું. મને કહો. રાજાએ કહ્યું. ભગવાન ! હું તો આપના શ્રાપના ડરથી રસ્તાના કીડી-મકોડાને જોતો આવ્યો છું. એટલે મારું બીજી તરફ ધ્યાન ગયું જ નહીં. રસ્તાનાં દશ્યો બાબતે મને ખબર નથી.
મહાત્માએ હસતાં હસતાં કહ્યું – રાજન ! તમારા પ્રશ્નનો આ જ ઉત્તર છે. મારા શ્રાપથી ડરતાં જેવી રીતે તમે આવ્યા, તેવી રીતે ઈશ્વરના દંડથી ડરવું જેઈએ. જેવી રીતે કીડીથી બચતા આવ્યા તેવી જ રીતે દુષ્કર્મોથી બચવું જોઈએ. રસ્તામાં અનેક દ્રષ્યો ન જોતાં જે સાવધાનીથી તમે મારી પાસે આવ્યા છો. તેવી જ રીતે જીવનક્રમ ચલાવો, તો ગૃહસ્થ જીવનમાં રહેતાં ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો. રાજા સાચો ઉત્તર મેળવીને સંતોષપૂર્વક પાછા ફર્યા.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6