એક માળીએ લીલોછમ બગીચો બનાવ્યો. એક દિવસ કોઈ ગાય બગીચામાં ઘૂસી ગઈ અને છોડવા ચરી ગઈ.માળીએ ક્રોધથી એને એવી લાકડી ફટકારી કે ગાય ત્યાંજ ચક્કર ખાઈને પડી ગઈ અને મરી ગઈ.
ગૌહત્યાનું પાપ માળી સામે આવીને ઊભું રહી ગયું. તે બોલ્યું, ‘હું આવી ગયું અને હવે તારો સર્વનાશ કરીશ.’
માળી ગભરાયો. બચવાનો કોઈ ઉપાય વિચારવા લાગ્યો. તેને એક કથા યાદ આવી ગઈ. પંડિતના મોંએ એણે સાંભળ્યું હતું કે મનુષ્યના પ્રત્યેક અંગનો માલિક એક દેવતા છે. તેની જ શક્તિથી અવયવ કામ કરે છે. તે પ્રસંગમાં હાથના દેવતા ઈન્દ્ર જણાવવામાં આવ્યા હતા, તે યાદ આવતાં જ માળીની ચિંતા દૂર થઈ ગઈ.
ગૌહત્યાના પાપને તેણે કહ્યું, ‘ભાઈ, મેં નહિ ઈન્દ્રએ હત્યા કરી છે. તમે એમની પાસે જઈને દંડ દો.’
પાપ ચાલી નીકળ્યું. ઈન્દ્રલોક પહોંચ્યું. સમગ્ર ઘટનાક્રમ સંભળાવ્યો અને કહ્યું, ‘આપે ગૌહત્યા કરી છે, તો દંડ પણ આપે જ ભોગવવો પડશે.
ઈન્દ્ર ચક્તિ થઈ ગયા. એમણે તો એવું કર્યું ન હતું. પછી માળીએ એમના પર કયા કારણે દોષ મૂક્યો ? તેઓ માળી પાસે ચાલી નીકળ્યા. પાપને થોડો વખત રાહ જોવા માટે મનાવી લીધું.
ઈન્દ્ર અજનબી રૂપ લઈને તે બગીચામાં પહોંચ્યા, સુંદર ઉદ્યાનની ભરપૂર પ્રશંસા કરી અને ત્યાં હાજર લોકોને પૂછ્યું. ‘જેણે આટલી કુશળતાનો પરિચય આપ્યો એ માળી કોણ છે, તેને જોવાની ઈચ્છા છે.’
માળીના કાને અવાજ પડ્યો તો તે દોડતો આવ્યો અને વિસ્તારપૂર્વક કહેવા લાગ્યો, ‘પહેલાં અહીં જંગલ હતું. આ જ હાથે ભૂમિ બનાવી. દૂરદૂરથી છોડવા લાવ્યો. આ જ હાથે એ છોડવાઓને સીંચ્યા – પાણી પાયું. આ મારો પુરુષાર્થ છે. હવે હું હાથથી ફળફૂલ ભેગાં કરું છું અને ગોદામ ભરું છું.’ તેણે ગર્વપૂર્વક હાથ લંબાવ્યા અને અપરિચિતને દેખાડ્યા.
અપરિચિત રૂપમાં આવેલા ઇન્દ્રએ પોતાના અસલી સ્વરૂપમાં પ્રકટ થઈને કહ્યું, ‘જ્યારે આ હાથોની કમાણીનું શ્રેય અને લાભ આપ લ્યો છો, તો ગૌહત્યાના પાપનો દંડ ઈન્દ્ર પર શું કામ લાદો છો ? તે પણ આપ જ ભોગવો.’ માળીને પોતાની જરૂર કરતાં વધારે સમજદારીનો દંડ આખરે ભોગવવો જ પડ્યો.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6