નારદજી કળિયુગનો ક્રમ જોતાં એક વાર વૃંદાવન પહોંચ્યા. જોયું કે એક યુવતી પાસે બે પુરુષો મૂર્છિત પડ્યા છે. દુઃખી યુવતીએ નારદજીને બોલાવ્યા. પૂછવાથી બતાવ્યું- “હું ભક્તિ છું. મારા આ બે પુત્રો – જ્ઞાન અને વૈરાગ્ય કસમયે વૃદ્ધ થઈ ગયા અને બેહોશ પડ્યા છે. એમની મૂચ્છાઁ દૂર કરો, તો મારું દુ:ખ દૂર થાય.” નારદજી દુ:ખી થઈ પ્રાર્થના કરવા લાગ્યા. આકાશવાણી થઈ — “હે નારદ ! તમારો પ્રયાસ ઉત્તમ છે, પરંતુ માત્ર વેદપાઠથી એમની મૂર્છા દૂર નહીં થાય, સંતો સાથે પરામર્શ કરી થોડું સત્કર્મ કરો તો જ્ઞાનવૈરાગ્ય પણ પ્રસ્થાપિત થાય.”
નારદજીએ બધા સંતોને પૂછ્યું – “કયું સત્કર્મ કરું, જેથી એમની મૂર્છા દૂર થાય.” ક્યાંય સમાધાન ન મળ્યું. છેવટે બદરી વિશાળ ક્ષેત્રમાં સનકાદિ મુનિઓ સાથે મુલાકાત થઈ. એમણે બધી વાત સાંભળી, ત્યારે કહ્યું – “નારદજી, તમારી ભાવના દિવ્ય છે. કળિના પ્રભાવથી મૂર્છિત જ્ઞાન-વૈરાગ્યની મૂર્છા દૂર કરવા માટે જ્ઞાનયજ્ઞ જ એકમાત્ર એવું સત્કર્મ છે, જેનો પ્રભાવ નિશ્ચિત રૂપે થશે. જ્ઞાનયજ્ઞ માટે વેદ વગેરેનો ઉપયોગ પણ ઠીક છે, પરંતુ કળિયુગમાં તે બોધગમ્ય ન હોવાથી એનો પ્રભાવ ઓછો થાય છે. આથી તમે કથાના માધ્યમથી જ્ઞાનયજ્ઞ કરો, એ નિશ્ચિતપણે સફળ થશે.”
નારદજી સનતકુમારો સાથે ગંગાના કિનારે આનંદવનમાં ગયા. ત્યાં પવિત્ર વાતાવરણમાં એમણે કથા-દેષ્ટાંતોના માધ્યમથી ધર્મધારણાના વિસ્તાર માટે જ્ઞાનયજ્ઞનો, શિક્ષણનો શુભારંભ કર્યો. એમની આ સક્રિયતાથી અન્ય ઋષિઓને પણ પ્રેરણા મળી તથા એમણે પણ સદ્દજ્ઞાન વિસ્તારનો પુણ્ય-પરમાર્થ કરવાનો નિશ્ચય કર્યો.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6