અબ્દુલ રહીમ ખાનખાના પ્રસિદ્ધ કવિ હતા, સાથે જ એક નેકદિલ ઈન્સાન પણ હતા. જકાત (દાન)માં એમને ખૂબ ભરોસો હતો. તેઓ દરરોજ ગરીબો અને યાચકોને ઘરના દરવાજા પર દાન આપતા હતા, પણ તેમનો નિયમ હતો કે દાન આપતી વખતે પોતાની નજરને નીચી કરી દેતા હતા અને નીચી નજરે જ દાન આપતા હતા.
એક વાર પ્રસિદ્ધ કવિ ગંગ તેમને મળવા આવ્યા તો જોયું કે એક માણસ ઘણી વાર રહીમ સાહેબ પાસેથી દાન લઈ ચૂક્યો છે પણ તેમની નીચી નજરનો ફાયદો ઉઠાવીને વારંવાર લાઈનમાં ઊભો રહી જાય છે અને દાન લેવા માંગે છે.
આ જોઈને કવિ ગંગે ખાનખાનાજીને કવિતામાં કહ્યું-
સીખી કહાં સે નવાવજું એસી દેની દેન ?
જયોં જ્યોં કર ઊંચે ચઢે ત્યોં ત્યોં નીચે નૈન.
નવાબ સાહેબ ! દાન આપવાની આવી રીત ભલા આપ ક્યાંથી શીખ્યા ? જેમ જેમ આપનો હાથ આપવા માટે ઉપર ચડી રહ્યો છે. તેમ તેમ આપની આંખો નીચી ને નીચી થતી જઈ રહી છે.
કવિ ગંગના પ્રશ્નનો ઉત્તર પણ ખાનખાનાજીએ કવિતામાં જ આપ્યો –
દેનહાર કોઈ ઓર હૈ જો દેતા દિન રૈન
લોગ ભરમ મો પેં કરે, તાતે નીચે નૈન.
અસલમાં આપનાર તો કોઈ બીજું (ખુદા) છે જે રાત-દિવસ બધાને કંઈક ને કંઈક આપે છે પણ લોકો નકામા જ મને દાતા સમજી બેસે છે. એટલા માટે નીચી નજર કરીને દાન આપી રહ્યો છું. દાન આપવાનો સાચો અર્થ અહંકારશૂન્યતા અને પ્રભુ પ્રત્યે સમર્પણ જ છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6