દેવીદેવતાઓના નામ પર પ્રચલિત અંધવિશ્વાસોમાં પશુબલિ મુખ્ય છે. આની જંજાળમાં અનેક લોકો સાતા જોવા મળે છે.
રાજા કુમારપાળ પ્રજાપ્રિય રાજા હતા. તેમના ગુરુ હેમચંદ્રાચાર્ય હંમેશાં ઉચ્ચ કક્ષાની સલાહ આપતાં રહેતાં. તે રાજ્યમાં દશેરાના દિવસે દેવી પર પશુબલિ ભારે ધામધૂમપૂર્વક આપવામાં આવતો હતો. તે દિવસે સેંકડો પશુઓનો વધ કરવામાં આવતો હતો.
ગુરુએ રાજાને આ કુપ્રથા બંધ કરવાનું કહ્યું. રાજાએ કહ્યું કે પ્રજા આ માટે તૈયાર થશે નહીં. તેમને હું કેવી રીતે મનાવી શકું. પ્રજાને સમજાવવાની જવાબદારી ગુરુએ પોતાના માથા પર લીધી.
પ્રજાજનો પશુઓને શણગારીને બલિ માટે લઈ આવ્યા. ગુરુદેવે તે બધાને એકત્ર કરીને કહ્યું કે દેવી તો બધાની માતા છે. તેને પશુઓની બિલ આપવાથી નારાજ થઈ જશે.
પ્રજાજનોએ એક જ અવાજમાં કહ્યું કે દેવી બલિ ઇચ્છે છે અને બલિથી પ્રસન્ન પણ થાય છે. જો એમ ન હોત તો આપણે આ પ્રથા કેમ ચલાવતા હોત ?
ગુરુદેવે કહ્યું કે તમારા કહેવામાં કેટલું સત્ય છે તેની વાસ્તવિકતા હમણાં જ ચકાસી લઈએ. આમ જણાવીને બિલ માટેના બધા પશુઓને દેવીના મંદિરમાં પૂરી દીધા. સવાર થતાં દરવાજો ખોલ્યો અને જોવામાં આવ્યું કે કેટલા પશુઓનું દેવીએ ભક્ષણ કર્યું છે.
પરંતુ દરવાજો ખોલીને તેમની ગણતરી કરતાં બધા પશુઓ યથાવત્ જણાયા. ગુરુદેવે હાજર રહેલા લોકોને સંબોધન કરતાં કહ્યું કે દેવીએ એક પણ પશુનું ભક્ષણ કર્યું નથી. તેમને પોતાના પ્યારા પુત્રો સમજીને છોડી દીધા છે. તો પછી તમે બધા જીવહત્યા કેમ માથે લો છો ?
ગુરુજીના કથન પર બધા પ્રજાજનો સંતુષ્ટ થયા. પશુબલિ થતો અટકી ગયો અને પ્રજાજનો પણ નારાજ ન થયા.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6