રામકૃષ્ણ પરમહંસ વારંવાર કહેતા, “એક હાથીને નવડાવી-ધોવડાવીને છોડી મૂકવામાં આવે તો તે શું કરશે ? ફરીથી માટીમાં આળોટશે અને શરીરને ગંદું કરશે. તેના ઉપર જો કોઇ બેસે તો તેનું શરીર પણ ગંદું થશે. પણ જો સ્નાન કરાવ્યા પછી તેને વાડામાં બાંધી દેવામાં આવે તો તે પોતાનું શરીર ગંદું નહીં કરે.
મનુષ્યનું મન પણ હાથી સમાન છે. એકવાર ધ્યાન, સાધના તથા ભગવાનના ભજનથી શુદ્ધ થઇ જાય તો પછી તેને સ્વતંત્ર છોડી દેવું જોઇએ નહીં.” આ સંસારમાં પવિત્રતા પણ છે અને ગંદકી પણ છે. મનનો સ્વભાવ છે કે તે ગંદકીમાં જ જશે અને મનુષ્ય દેહને ગંદો કરવાનું ભૂલશે નહીં. આથી ગંદકીથી તેને બચાવવા માટે એક વાડાની જરૂર છે. તેમાં તે ’ પૂરાયેલું રહે અને ગંદકીની શકયતાવાળા સ્થાનોમાં તે જાય નહીં.
ઇશ્વરભજન, તેનું સતત ધ્યાન એક વાડો છે. તેમાં મનને બંધ કરી દેવું જોઇએ. એમ કરવાથી જ સાંસારિક સંસર્ગથી ઉત્પન્ન થતા દોષો તથા મલિનતાથી બચી શકાય છે. ભગવાનને વારંવાર યાદ કરતા રહેશો તો મન અસ્થાયી સુખોના આકર્ષણ અને પાપથી બચતું રહેશે અને તેને પોતાના જીવનના સ્થાયી લક્ષ્યની યાદ તાજી રહ્યા કરશે. પરિણામે તે દુષિત વાસનાઓમાં પડતાં અટકશે અને મનુષ્ય પાપકર્મોથી બચી જશે. દૂષિત વાસનામાં પડવાથી અપવિત્રતા અને મલિનતા પેદા થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6