એકવાર ગુરુનાનક સુલતાનપુર ગયા હતા. ત્યાંના લોકોની નાનક પ્રત્યેની શ્રદ્ધા જોઈને ત્યાંના કાજીને ઈર્ષા થઈ. તેણે સૂબેદાર દોલતખાંને ફરિયાદ કરી કે આ માણસ પાખંડી છે, એટલે તે નમાજે પઢવા આવતો નથી. સૂબેદારે નાનકને બોલાવવા માણસ મોકલ્યો. નાનકે સૂબેદારને સલામ ના કરી, આથી તે ગુસ્સે થઈને બોલ્યો કે શું તમને એટલી પણ ખબર નથી કે કોઈ વ્યક્તિને મળવા જાઓ ત્યારે સલામ કરવામાં આવે છે ? નાનકે કહ્યું કે હું સદ્ગુણો સિવાય બીજા કોઈને સલામ કરતો નથી. આથી સૂબેદારે ગુસ્સે થઈને કહ્યું કે મારી સાથે નમાજ પઢવા ચાલો.
નાનકદેવ તેની સાથે મસ્જિદે ગયા. સૂબેદાર અને કાજી તો નીચે બેસીને નમાજ પઢવા લાગ્યા, પરંતુ ગુરુનાનક તો ઊભા જ રહ્યા. નમાજ પઢતાં પઢતાં કાજી વિચારતો હતો કે મેં છેવટે આ ઘમંડીને ઝુકાવી દીધો, જ્યારે સૂબેદારનું ધ્યાન ઘેર જઈને ઘોડાઓનો સોદો કરવામાં લાગેલું હતું. નમાજ પૂરી કરીને તેઓ ઊભા થયા ત્યારે તેમણે નાનકદેવને શાંતિથી ઊભા રહેલા જોયા, આથી સૂબેદાર ગુસ્સે થઈને બોલ્યો કે તમે બહુ ઢોંગી છો. ગુણોની વાત કરો છો, પરંતુ નમાજ પઢતા નથી. નાનકદેવે કહ્યું કે પરંતુ હું નમાજ પઢું કોની સાથે ? તમારા બેમાંથી કોઈનું ધ્યાન નમાજમાં હતું જ નહિ. કાજી તો મનમાં ખુશ થઈ રહ્યા હતા કે તેમણે મને મસ્જિદમાં લાવીને બહુ મોટી ધાડ મારી દીધી છે અને તમારું મન ઘેર જઈને ઘોડાઓનો સોદો કરવામાં લાગેલું હતું. આવું સાંભળતાં જ તેઓ બંને ઝંખવાણા પડી ગયા. તેમણે નાનકદેવનાં ચરણોમાં માથું ઝુકાવીને માફી માગી. મન વગર કરેલું ભજન નિરર્થક છે, જ્યારે સાચા મનથી ક્ષણવાર માટે કરેલી પ્રાર્થના સાર્થક થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6