શરીરધારી મનુષ્ય ઊંચા પદ પર પહોંચે છે, છતાં પણ પોતાના લક્ષ્યનો ખ્યાલ રહેતો નથી. કોઈ કોઈ વખત વિધાતા સ્વયં સંકેત આપવા જઈ પહોંચે છે.
રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોચ્યો અને બોલ્યો, ભગવન ! હું તમારો મસિયાઈ ભાઈ છું. કદીક હું પણ તમારી માફક હતો. મારે ૩૨ નોકરો હતા, એક એક કરીને ચાલી ગયા. બે મિત્રો હતા, તે પણ એકબીજાનો વિરોધ કરવા લાગ્યા. બે ભાઈ છે જે ઘણી મુશ્કેલીથી ઓછુંવત્તું કામ કરે છે. પત્ની પણ ઊલટા-સીધા જવાબ આપે છે. મારી મુસીબત જોતાં જો તમે થોડી મદદ કરી શકો તો કરો.
રાજાએ તેનો સત્કાર કર્યો અને રૂપિયાની એક થેલી આપી દીધી. સભાસદોએ પૂછ્યું – આ ગરીબ તમારો મસિયાઈ ભાઈ કેવી રીતે હોઈ શકે છે ?
રાજાએ કહ્યું, એણે મને મારી ફરજનું ભાન કરાવ્યું છે. એના મોમાં મારી જેમ ૩૨ દાંત હતા તે પણ પડી ગયા. બે પગ મિત્રો હતા તે ડગમગી ગયા. બે ભાઈ હાથ છે જે અશક્ત હોવાને લીધે ઓછુંવત્તુ કામ કરે છે. બુદ્ધિ એની પત્ની હતી તે પણ હવે ઘટી ગઈ છે કંઈનો કંઈ જવાબ આપે છે. મારી મા અમીરી અને તેની મા ગરીબી છે. એ બંને બહેનો છે. આમ અમે બંને મસિયાઈ ભાઈ પણ છીએ. વૃદ્ધનું કહેવું ખોટું નથી.
આ સંકેતોમાં રાજાએ સ્વયંને માટે એક સંદેશો મેળવ્યો અને પોતાનો બાકીનો સમય સત્કાર્યોમા, પ્રજાજનોના કલ્યાણ માટે ખર્ચવાનો સંકલ્પ કર્યો. સમજદારીને લીધે ફરજનું ભાન થયું. આમ રાજાએ વૃદ્ધનુ સન્માન કર્યું અને વિદાય કર્યો.
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6