Home year1996 વિચિત્ર વરદાન

વિચિત્ર વરદાન

by Akhand Jyoti Magazine

Loading

એક સગૃહસ્થ સંયમપૂર્વક રહેતો હતો. તે કુટુંબના સભ્યોના સંસ્કારનું સિંચન કરવામાં ડૂબેલો રહેતો અને નીતિપૂર્વક આજીવિકા કમાતો. બચેલું ધન અને સમય પરમાર્થના કાર્યોમાં વાપરતો. તે વનમાં વસ્યો નહીં, પણ ઘરમાં જ તપોવન બનાવી દીધું.

દેવ આ ધર્મપરાયણ ગૃહસ્થની યોગસાધનાથી ઘણા પ્રસન્ન થયા. ઈન્દ્ર પ્રસન્ન થઈને તેની સમક્ષ હાજર થયા અને વરદાન માગવા માટે કહ્યું. શું માગે ? જ્યારે અસંતોષ જ ન હતો ત્યારે અભાવ કઈ વાતનો હોય ? હાથ લાંબો કરવામાં શરમાવું પણ પડે છે. સ્વાભિમાન ગુમાવીને જ કોઈની પાસેથી કંઈ મેળવી શકાય છે. આથી તેમણે એવો ઉપાય શોધ્યો કે જેમાં દેવું ન ચઢે અને દેવને ખરાબ પણ ન લાગે.

તેમણે વરદાન માગ્યું. તેની છાયા જ્યા પણ પડે ત્યાં કલ્યાણ થવા લાગે. વરદાન મળી ગયું પરંતુ આશ્ચર્યચક્તિ દેવે પૂછ્યું “હાથ રાખવાથી કલ્યાણ થતાં આનંદ પણ થાત, પ્રશંસા પણ થાત અને પ્રતિ ઉપકારની શક્યતા રહેત. છાયાથી કલ્યાણ થવાથી આ લાભોથી વંચિત રહેવું પડશે. છતાં આવું વિચિત્ર વરદાન કેમ માંગ્યું ?”

સદ્ગૃહસ્થે કહ્યું, “દેવ ! સામા માણસનું ક્લ્યાણ થવાથી તો આપણો અહંકાર વધશે અને સાધનામાં બાધા પડશે. છાયા કોના પર પડી, કોને કેટલો લાભ મળ્યો, એની ખબર ના પડવી એ મારા જેવા વિનમ્રો માટે ક્લ્યાણકારી છે.”

સાધનાનું આ જ સ્વરૂપ પસંદ કરવા યોગ્ય છે. આ રીતે જ ક્રમિક પ્રગતિના માર્ગ પર ચાલતો રહેનારો માણસ મહામાનવ બની જાય છે.

યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર ૧૯૯૬

You may also like