રાજા પ્રદ્યુમ્નનો સ્વર્ગવાસ થઈ ગયો. સમગ્ર પરિવાર ખૂબ દુ:ખી હતો. એ દિવસોમાં આચાર્ય પુરંધની ગણના સિદ્ધપુરુષોમાં થતી હતી. એમ સમજવામાં આવતું કે તેઓ મરેલાને પણ પોતાના મંત્રબળથી જીવતાં કરી શકે છે.
પુરંધને પાલખીમાં બેસાડીને લાવવામાં આવ્યા. મરેલાને જીવતા કરવાનો આગ્રહ લાગ્યો તો કઢંગો, પણ આતૂર લોકોનું સમાધાન કરવા માટે એમણે પોતાની સૂઝબુજને કામે લગાડી અને કહ્યું, જો મૃતાત્મા ઈચ્છશે તો જ તેઓ પુનર્જીવિત કરવાનું કામ હાથમાં લેશે.
કુટુંબીઓ સહમત થઈ ગયા. પુરંધે કહ્યું. રાજાએ હમણાં જ વટવૃક્ષ પર તીતીઘોડાના રૂપમાં જન્મ લીધો છે. રાજકુમાર વિનંતીપૂર્વક એને પકડે અને પાછા ફરવા માટે સહમત કરે.’
એવું કરવામાં આવ્યું. જયેષ્ઠ રાજકુમારને લઈને પુરંધ વટવૃક્ષ પાસે પહોંચ્યા અને આંગળીથી ઈશારો કરીને એક તીતીઘોડો બતાવ્યો- એ જ છે સ્વર્ગીય સમ્રાટ.
રાજકુમાર તીતીઘોડાને પકડવા માટે ઝાડ પર ચઢ્યા, પણ તીતીઘોડો સ્ફુર્તિલો હતો. મનુષ્યને નજીક આવતો જોઇને જ છલાંગ લગાવતો. એક ડાળી પરથી બીજી ડાળીએ જઈ પહોંચતો. રાજકુમાર ત્યાં સુઘી પહોંચે એટલામાં તો તે ઊઠીને બીજે જઈ બેસતો, આ સંતાકૂકડીમાં આખો દિવસ પસાર થઈ ગયો. રાત પડી ગઈ, દેખાતું બંધ થયું ત્યારે રાજકુમાર નિરાશ થઈને પાછો ફરી ગયો.
પુરંધે સમજાવ્યું. રાજાએ જૂના શરીરનો મોહ છોડી દીધો છે. હવે એમનું મન તીતીઘોડાના શ૨ી૨માં જ આનંદ પામી રહ્યું છે. આપ સૌ એમની ઈચ્છા સમજો અને નિરર્થક મોહ છોડી દો.
કુટુંબીજનોનો મોહ તૂટયો અને મૃત શરીરના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6