ફ્રાંસીસી ગાયિકા મેલિબ્રાનની પાસે એકવાર કોઇ ચીથરેહાલ ગરીબ છોકરો આવ્યો. એની હાલત જોઇને મેલિબ્રાનનું હૃદય દ્રવી ઉઠયું. તેણીએ પૂછ્યું-“બેટા ! શું કામ છે ? તારું નામ શું છે ? ”
“મારું નામ પિયરે છે અને હું એક વિનંતી કરવા આવ્યો છું. મારી મા બીમાર છે. એનો ઇલાજ કરાવવા માટે એટલા પૈસા નથી કે દવા ખરીદી શકું.” છોકરો બોલ્યો.
“હા, તો તારે પૈસાની જરૂર છે. બોલ, કેટલા આપું ? ” મેલિબ્રાને છોકરાની વાત કાપતાં કહ્યું. “ના” પિયરે બોલ્યો-“હું મફતમાં પૈસા નથી લેતો. હું તો એ કહેવા આવ્યો હતો કે મેં એક કવિતા લખી છે. તમે એને સંગીત સભામાં ગાવાની કૃપા કરો, ત્યાર પછી જે યોગ્ય લાગે તે આપજો.”
મેલિબ્રાન છોકરાની વાતથી બહુ પ્રભાવિત થઇ. બીજા દિવસે એક સંગીત સંમેલનમાં એ કવિતા શ્રોતાઓ સામે ગાઇ સંભળાવી. કવિતા સાંભળીને શ્રોતાઓની આંખોમાં ઝળહળીયાં આવી ગયાં. એ કવિતા પર કેટલાય લોકોએ ઇનામ આપ્યાં. મેલિબ્રાન એ બધી રકમ લઇને પિયરેની માતા પાસે ગઇ અને એનો સાચો હક્કદાર પિયરેને બનાવીને એ રકમ આપી દીધી.
પરિસ્થિતિઓ નહીં, નિષ્ઠા જ મનુષ્યના સાચા સાથી-સહયોગી તૈયાર કરે છે.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6