એક ગામની બહાર એક બાબાની ઝુંપડી હતી. બાબાજી ખૂબ સીધાસાદા અને મિલનસાર હતા. તેથી ગામના લોકો તેમને ખૂબ સન્માન આપતા હતા, તે ગામમાં બીજા એક ગામથી એક ભીલની કન્યા રોજ દૂધ વેચવા આવતી હતી. એક દિવસ તે મોડી આવી, તો બાબાએ તેનું કારણ પૂછ્યું, ભીલ કન્યાએ કહ્યું કે આજે નદી પાર કરવા માટે તરત નાવ ના મળી એટલે મોડું થઈ ગયું, બાબાજીએ કહ્યું કે બેટી ! લોકો તો ભગવાનના નામથી ભવસાગર પાર કરી લે છે તો તું એક નદી પાર નથી કરી શકતી ?
તે ભીલકન્યા પર બાબાજીની વાતનો બહુ ઊંડો પ્રભાવ પડ્યો. બીજા દિવસે તે પ્રાતઃકાળે જ બાબાજીની ઝૂંપડીએ દૂધ લઈને પહોંચી ગઈ. આથી બાબાજીએ પૂછ્યું કે આટલી જલદી કેવી રીતે આવી ગઈ ?
ભીલકન્યાએ કહ્યું કે આપે જ મને ભગવાનના નામનો સહારો લેવાનું કહ્યું હતું. આજે તેમનું નામ લઈને પાણી પર ચાલીને અહીં આવી ગઈ, હવે મારે જીવનભર નાવનો સહારો લેવાની જરૂર નહિ પડે. બાબાજીએ ભગવાનના નામનો સહારો લેવાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ તેનો આટલો બધો પ્રભાવ છે એની તેમને પોતાને ખબર ન હતી. તેમને લાગ્યું કે ભીલકન્યા માત્ર વિનોદ ખાતર આવી વાત કરી રહી છે, આથી તેઓ ખાતરી કરવા માટે તે કન્યાની સાથે નદીકિનારે પહોંચી ગયા. જ્યારે તેમણે જોયું કે તે ભીલકન્યા સંપર્ણ શ્રદ્ધાથી ભગવાનનું નામ લઈને ખૂબ સહજ રીતે નદી પર ચાલતાં સામે કિનારે જવા લાગી ત્યારે આશ્ચર્યથી તેમની આંખો પહોળી થઈ ગઈ.
બીજા દિવસે ભીલકન્યા દૂધ લઈને આવી ત્યારે બાબાજીએ તેને પ્રણામ કરતાં કહ્યું કે બેટી ! આજથી તું જ મારી ગુરુ છે. મેં તો જીવનભર લોકોને માત્ર ભગવાનનું નામ લેવાનો ઉપદેશ આપ્યો, પરંતુ તે તો ભગવાનને પોતાના બનાવી દીધા.
જ્યારે નિષ્પાપ મનવાળો મનુષ્ય સાચા મનથી ભગવાનને પોકારે છે ત્યારે તેઓ તેને મદદ કરવા તરત જ દોડી આવે છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6