હજ યાત્રા પૂરી કરીને એક દિવસ અબ્દુલા બિન મુબારક કાબામાં સૂતા હતા.
સ્વપ્નમાં એમણે બે ફરિશ્તાને વાત કરતા જોયા. એકે બીજાને પૂછ્યું, “આ વર્ષે હજ માટે કેટલા લોકો આવ્યા અને એમાંથી કેટલાની દુવા કબૂલ થઈ ? ”
જવાબમાં બીજા ફરિશ્તાએ કહ્યું, “આમ તો હજ કરવા ચાલીસ લાખ આવ્યા હતા. પણ એમાંથી કોઈની દુવા કબૂલ નથી થઈ. આ વર્ષે ફક્ત એકની જ દુવા કબૂલ થઈ છે અને એય એવો છે કે અહીં નથી આવ્યો.”
પહેલા ફરિશ્તાને બહુ નવાઈ લાગી. તેણે પૂછ્યું, “ભલા એ ખુશનસીબ કોણ છે, જે અહીં આવ્યો નથી ને તેની હજ કબૂલ થઈ ગઈ છે.”
બીજા ફરિશ્તાએ કહ્યું, “એ છે દમિશ્કનો મોચી અલી બિન મુફિક.”
એ પાક હસ્તીને જોવા અબ્દુલા બિન મુબારક, બીજા જ દિવસે દમિશ્ક ગયા અને મોચી મુફિકનું વર શોધી કાઢયું.
પૂછ્યું, “શું તમે હજ પઢવા ગયા હતા ?”
મુફિકની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં અને માથું ધુણાવતાં કહ્યું, “એવું મારું નસીબ ક્યાં, કે હજુ જઈ શકું. જિંદગીની મહેનતથી ૭૦૦ દિરહમ એ યાત્રા માટે ભેગા કર્યા હતા, પણ એક દિવસ મેં જોયું કે પડોશના ગરીબ લોકો પેટની આગને ઠારવા માટે જે ન ખાવું જોઈએ તે ખાતા હતા. એમની લાચારીએ મારું હૃદય વલોવી નાંખ્યું અને હજ માટે જે રકમ ભેગી કરી હતી, તે એ મુફલિસોને વહેંચી દીધી.” દીનદુઃખીઓની સહાયતા જ સાચી સેવા છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6