સંત જ્ઞાનેશ્વરમાં જ્યાં જ્ઞાન, વિવેક, સદાશયતા અને સહિષ્ણુતાની લૌકિક વિશેષતાઓ જોવા મળતી હતી, ત્યાં અલૌકિક સ્તરની રિદ્ધિ-સિદ્ધિઓ અને ચમત્કારો ઝાંખી પણ જોવા મળતી નથી.
એક બહેન એમની આ ઉપલબ્ધિઓથી વિશેષ પ્રભાવિત થઈ સાધના કરવા લાગી. થોડા સમય સુધી ઉપાસના કર્યા પછી જયારે એને કોઈ ઉપલબ્ધિ ન થઈ તો એ સંત પાસે જઈને બોલી – “દેવ ! ભગવાન પણ બહુ પક્ષપાતી છે. એ કોઈ કોઈને તો રિદ્ધિ-સિદ્ધિઓનો સ્વામી બનાવી દે છે અને કોઈને તો કશું આપતો નથી.”
સંત જ્ઞાનેશ્વર હસ્યા અને બોલ્યા—“બહેન, એમ નથી. ભગવાન વિશિષ્ટ વિભૂતિઓ સત્પાત્રોને આપે છે.” બહેને કહ્યું — “પાત્રતા વિકસિત કરીને કોઈપણ એને પ્રાપ્ત કરી શકે છે, તો એમાં ભગવાનની શું વિશેષતા રહી ? એણે તો બધાને સરખું અનુદાન આપવું જોઈએ.”
સંત એ વખતે તો ચૂપ રહ્યા, પરંતુ બીજા જ દિવસે એમણે સવારે મોહલ્લાની એક મૂર્ખ વ્યક્તિને એ મહિલા પાસે એમ કહીને મોકલી કે એની પાસેથી સોનાનાં આભૂષણો માંગી લઈ આવો.
મૂર્ખ વ્યક્તિએ જઈને આભૂષણ માંગ્યાં. એ બહેને ધમકાવીને એને આભૂષણ આપ્યા વગર ભગાડી દીધો. થોડી વાર પછી સંત જ્ઞાનેશ્વર પોતે એ સ્ત્રી પાસે ગયા અને બોલ્યા – “તમે એક દિવસ માટે પોતાનાં આભૂષણ મને આપી દો. આવશ્યક કામ થયા બાદ પાછાં આપીશ.” બહેને કોઈ પ્રશ્ન પૂછ્યા વગર સંદૂક ખોલી અને સહર્ષ પોતાનાં કીમતી આભૂષણ સંતને સોંપી દીધાં. આભૂષણ હાથમાં લઈને સંતે પૂછ્યું, “હમણાં જે બીજી વ્યક્તિ આવી હતી, એને આભૂષણ કેમ ન આપ્યાં?” સ્ત્રી બોલી – “એ મૂર્ખને આભૂષણ કેવી રીતે આપું ?” સંત જ્ઞાનેશ્વર બોલ્યા – “બહેન ! જ્યારે તમે સામાન્ય જેવાં આભૂષણ વિચાર કર્યા વગર કુપાત્રને આપી શક્તાં નથી, તો પરમાત્મા તેનાં દિવ્ય અનુદાનો કુપાત્રોને કેવી રીતે આપી શકે ? એ તો વારંવાર એ વાતની પરીક્ષા કરે છે કે જેને અનુદાન આપવામાં આવી રહ્યું છે, એમાં પાત્રતા છે કે નહીં ?”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6