એક વાર ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન – ત્રણે ભાઈઓએ નક્કી કર્યું કે હનુમાનજી તેમને રામજીની સેવા કરવાનો મોકો આપતા નથી, તેથી તે દિવસથી તે ત્રણે ભાઈઓ જ મળીને ભગવાન રામની સેવા કરશે. તેમણે પરસ્પર કામ વહેંચી લીધું અને હનુમાનજીને કહી દીધું કે હવે ભગવાન રામની સેવાનું કોઈ કામ બાકી નથી. હનુમાનજીએ જોયું કે ભગવાનને બગાસું આવે તો ચપટી વગાડવાનું કામ કોઈએ લીધું નથી, તો તેમણે તે પોતાના હાથમાં લઈ લીધું. હનુમાનજી દિવસભર ભગવાન રામની સામે બેસી રહ્યા. જ્યારે રાત થવા આવી તો ભરતે તેમને કહ્યું કે તમે બહાર જઈને ચપટી વગાડજો, કારણ કે ખબર નહિ ભગવાનને ક્યારે બગાસું આવે ? બહાર જઈને હનુમાનજીએ ચપટી વગાડતાં જ ભગવાન રામને એવું બગાસું આવ્યું કે તેમનું મોઢું બંધ જ ન થયું. વિચિત્ર સ્થિતિ જોઈને ભાઈઓએ માતા સીતાને બોલાવ્યાં. સીતા માતાએ જોયું અને સમજી ગયાં કે ભગવાન ભક્તની ભક્તિનું માન રાખવા લીલા કરી રહ્યા છે. હનુમાનજીને પાછા બોલાવવામાં આવ્યા અને તેમના પાછા આવતાં જ ભગવાનનું મોઢું બંધ થઈ ગયું.