અતૃપ્તિની પીડાથી પરેશાન એક માણસ એક ફકીર પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું કે મારી આ અતૃપ્તિ કેવી રીતે દૂર થઈ શકે ? હું તૃપ્તિનો અનુભવ કેવી રીતે કરી શકું ? એ ફકીરે કહ્યું, “અરે ! એમાં શું ? તું ચાલ મારી સાથે. હું કૂવે જાઉં છું પાણી ભરવા, સાથેસાથે તને તારા સવાલનો જવાબ પણ મળી જશે, કહેવાની જરૂર જ નહિ પડે. તું જોઈને જ સમજી જઈશ.
જ્યારે ફકીરે કૂવામાં એક ડોલ નાંખી ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે ડોલમાં તળિયું જ ન હતું. ફકીરે ડોલને કૂવાની અંદર ખૂબ ડુબાડી, ખૂબ અવાજ આવ્યો, ડોલ પાણીમાં ડૂબી પણ ખરી. એ ડોલને ડૂબતાં વાર પણ ન લાગી. કારણ કે એમાં તળિયું જ ન હતું. જેટલી વાર ડોલને ઉ૫૨ ખેંચી, એટલી વાર ખાલી જ ઉપર આવી. એક વાર, બે વાર, દસ વાર આ ખેલ ચાલતો રહ્યો. અંતે એ માણસથી ન રહેવાયું. એ બોલી ઊઠ્યો, “તમે આ શું કરી રહ્યા છો ? એ તો ક્યારેય નહિ ભરાય.”
ફકીર હસી પડ્યો અને કહેવા લાગ્યો, “આ ડોલને હું તારા માટે કૂવામાં નાંખી રહ્યો છું. આ વાસના પણ ડોલ છે, ક્યારેય નહિ ભરાય. આજ સુધી કોઈની ભરાઈ નથી. વાસનાથી તૃપ્તિ મેળવવાના ચક્કરમાં વિષાદ જ થાય છે. તેં જેટલી વાર વાસનાઓથી તૃપ્ત થવાની કોશિશ કરી, એટલી વાર અતૃપ્તિ જ મળી. કેટલીય વાર લાગ્યું કે ખૂબ ડોલ ભરાઈ છે કૂવાની અંદર, પણ હાથમાં આવી ત્યાં સુધીમાં ખાલી થઈ ગઈ. વારંવાર આવું થયું, છતાંય તું જાગ્યો નહિ, છતાંય તું ચોંક્યો નહિ. ચાલો, આજે તું ચોંક્યો તો ખરો. તને ભાન તો આવ્યું કે વાસનાઓની અતૃપ્તિ ક્યારેય દૂર થતી જ નથી. તૃપ્તિ તો સંવેદનાઓના માર્ગ ૫૨ ચાલવાથી અને સેવા કરવાથી મળે છે. જે તેના પર ચાલી શક્યું, તેને તૃપ્તિ, તુષ્ટિ અને શાંતિ ત્રણેય અનાયાસ જ મળી જાય છે.”
યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6