એક મહાત્મા એક રાજાને દરરોજ ઉપનિષદ ભણાવવા જતા હતા. રાજા રાજ્યનાં તણાવપૂર્ણ કાર્યો કરવા છતાં હંમેશાં મસ્ત રહેતા હતા, પરંતુ મહાત્મા એક દિવસ રાજાને ત્યાં ગયા તો તેમને લાગ્યું કે રાજા કોઈક કારણના લીધે ખૂબ ચિંતામાં છે. કારણ પૂછતાં રાજાએ જણાવ્યું કે મેં રાત્રે એક સ્વપ્ન જોયું કે મેં મારી માતાની હત્યા કરી નાખી છે. હું મારી માતાને અત્યંત પ્રેમ કરું છું, છતાં મને આવો ખરાબ વિચાર કેમ આવ્યો એ વિચારથી હું પરેશાન છું.
મહાત્માજીએ થોડીવાર વિચાર કર્યો અને પછી રાજાને પૂછ્યું કે રાજન ! ગઈકાલે તમારું ભોજન કોણે બનાવ્યું હતું. રાજાએ પોતાના રસોઈયાને બોલાવડાવ્યો. રસોઈયાએ ગભરાતાં ગભરાતાં કહ્યું કે ગઈકાલે મારી તબિયત બરાબર નહોતી, આથી બીજા એક માણસે ભોજન બનાવ્યું હતું. તપાસ કરતાં ખબર પડી કે એ માણસ થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. તેને પોતાની માતાની હત્યા કરવાના કારણે જેલની સજા થઈ હતી. મહાત્માજીએ રાજાને પેલા રસોઈયાને માફ કરી દેવાનું કહ્યું.
તેમણે રાજાને સમજાવ્યું કે રાજન, સંસ્કારોનું નિર્માણ અન્નથી થાય છે. દૂષિત સંસ્કારોવાળા ભોજનથી કુવિચારો પેદા થાય છે અને સાત્ત્વિક તથા સુસંસ્કારી ભોજનથી સવિચારો પેદા થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૧૪
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6