એક જમીનદારને બે દીકરા હતા. મોટો ભાઈ અહંકારી અને લાલચુ હતો જ્યારે નાનો મહેનતુ અને પરોપકારી હતો.
જમીનદારના મૃત્યુ પછી મોટાભાઈએ જમીનદારી સંભાળી તો બધા તેનાથી ત્રાસી ગયા. નાનો ભાઈ ચોરી-છૂપીથી લોકોને મદદ કરવા લાગ્યો તો મોટાભાઈને આ મંજૂર ન લાગ્યું. તેણે નાના ભાઈને થોડીક જમીન આપીને ઘરમાંથી કાઢી મૂક્યો. નાના ભાઈએ એ જમીન પર આંબાવાડી બનાવી અને તેની દેખભાળ કરવા લાગ્યો. જોતજોતામાં ઝાડ ફળવા-ફૂલવા લાગ્યા. રસ્તે જતા મુસાફરો બગીચાનાં મીઠાં ફળ ખાઈને નાના ભાઈને દુવાઓ આપતાં આપતાં જતા.
ધીરે ધીરે નાના ભાઈની પ્રસિદ્ધિ પહેલાં કરતાં પણ વધારે થવા લાગી. અહંકારી ભાઈએ વિચાર્યું કે જો તે પણ પોતાની જમીન પર બગીચો બનાવે તો લોકો તેની પણ પ્રશંસા કરશે. આમ વિચારીને તેણે બગીચો બનાવડાવ્યો અને તેની દેખભાળ કરવા માટે કેટલાય મજૂરો રાખી દીધા પરંતુ એ વૃક્ષો પર એક પણ ફળ ન આવ્યું. દુઃખી થઈને તેણે એક સંતને આનું કારણ પૂછ્યું.
સંત આવ્યા અને બંને ભાઈઓના બગીચામાં એક – એક દિવસ રહ્યા. ત્યાર પછી તેમણે મોટાભાઈને કહ્યું – પુત્ર ! તારા બગીચામાં ફળ ન આવવા પાછળનું કારણ જમીનનો દોષ નથી પરંતુ મનનો દોષ છે. તેની પાછળનું કારણ તારો અહંકાર છે. તું અહંકાર છોડ, પરોપકારની ભાવનાથી વૃક્ષ વાવીશ તો એ ફળ પણ આપશે અને પ્રસિદ્ધિ પણ આપશે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6