સિકંદરે ઈરાનના રાજા દારાને હરાવ્યો એટલે તે વિશ્વવિજેતા ગણાવા લાગ્યો. વિજય પછી તેના રાજ્યમાં તેનું ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું. દૂર દૂર સુધી તેના રાજ્યના નિવાસીઓ તેનું સ્વાગત કરવા માથું નમાવીને તેનું અભિવાદન કરવા ઊભા હતા.
રસ્તામાં બીજી બાજુથી સિકંદરે કેટલાક ફકીરોને સામે આવતા જોયા. સિકંદરને લાગ્યું કે તે ફકીરો પણ નમીને તેનું અભિવાદન કરશે પણ એકેય ફકીરે સિકંદર સામે જોયું પણ નહિ. પોતાનું આવું અપમાન જોઈને સિકંદર ગુસ્સે ભરાયો. તેણે પોતાના સૈનિકોને તે ફકીરોને પકડી લાવવાનું કહ્યું.
સિકંદરે ફકીરોને પૂછ્યું – શું તમે નથી જાણતા કે હું વિશ્વવિજેતા સિકંદર છું ? મારું અપમાન કરવાની હિંમત તમે કેવી રીતે કરી ? જવાબમાં એક ફકીર બોલ્યો – કયા મિથ્યા વૈભવને જોરે તું આટલું અભિમાન કરે છે, સિકંદર ? જે અહંકાર તારા માથા પર સવાર છે, તે અમારા ચરણોનો ગુલામ છે. અમારા ગુલામનો પણ ગુલામ થઈને તું અમારી સાથે બરાબરીની વાત કેવી રીતે કરી શકે છે ? આ કેવી મોટાઈ છે ?
તેમનો જવાબ સાંભળી સિકંદરે અનુભવ્યું કે તે સંપત્તિ પર તો વિજય મેળવી શકે છે પણ જ્યાં સુધી અહંકાર પર વિજય નહિ મેળવે ત્યાં સુધી તે વિજેતા કહેવાઈ શકશે નહિ.
યુગ શક્તિ ગાયત્રી, ઑક્ટોબર ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6