આત્મક્લ્યાણ, મોક્ષ, પરમતત્ત્વની પ્રાપ્તિ વિશેની ઘણી જ ભ્રામક માહિતીઓ મનુષ્યોમાં જોવા મળે છે. સત્પ્રવૃત્તિઓનું આચરણ કરતાં રહીને મનુષ્ય પોતાનું અને બીજાઓનું હિત કેવી રીતે કરી શકે છે, એનું સુંદર ઉદાહરણ સ્કંદપુરાણની એક કથમાં મળે છે.
એક વખત કાત્યાયને દેવર્ષિ નારદને પૂછ્યું, “ભગવન્ આત્મકલ્યાણ માટે વિવિધ શાસ્ત્રોમાં વિવિધ ઉપાય-ઉપચારો બતાવવામાં આવ્યા છે. ગુરુજનો પણ પોત-પોતાની બુદ્ધિ પ્રમાણે કેટલાયે સાધન-વિધાનોનું મહત્ત્વ બતાવે છે. જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય, યોગ, જ્ઞાન, સ્વાધ્યાય, તીર્થ, વ્રત, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે અનેક ઉપાયોમાંથી બધા જ કરી શકવા, એકના માટે શક્ય નથી. વધુમાં સામાન્ય માનવી એ પણ નિર્ણય કરી શક્તો નથી કે એમાંથી કોને પસંદ કરવામાં આવે ? કૃપા કરીને આપ જ મારું સમાધાન કરો કે સૌથી સરળ અને સુનિશ્ચિત માર્ગ ક્યો છે ? મને અનેક માર્ગોના ભટકાવમાંથી બચાવીને સરળ આધારનો રસ્તો બતાવો.”
નારદે કાત્યાયનને ઉત્તર આપતાં કહ્યું, “હે મુનિવર ! જ્ઞાન અને ભક્તિનું એક જ લક્ષ્ય છે કે મનુષ્ય સત્કર્મોમાં જોડાઈ જાય સ્વયં સંયમી રહે અને પોતાના સામર્થ્યનો, તે નીચે પડેલાને ઉઠાવવામાં અને ઉઠેલાને આગળ વધારવામાં ઉપયોગ કરે. સત્પ્રવૃત્તિઓ જ સાચી દેવીઓ છે. જેને જે જેટલી શ્રદ્ધાની સાથે ખેંચે છે, તે તેટલી જ વિભૂતિઓ કમાય છે. આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણની સંયુક્ત સાધના કરવા માટે પરોપકારમાં ડૂબેલા રહેવું તે જ સર્વશ્રેષ્ઠ છે, ભલે મનુષ્ય કોઈ પણ આશ્રમમાં હોય.”
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org