સ્વામી વિવેકાનંદના જીવનની એક ઘટના છે. ભ્રમણ અને ભાષણોથી પરિશ્રાંત સ્વામી વિવેકાનંદ પોતાના નિવાસસ્થાને પાછા ફર્યા.
તે દિવસોમાં તેઓ અમેરિકામાં એક મહિલાને ત્યાં ઊતર્યા હતા. તેઓ પોતાના જ હાથે ભોજન બનાવતા હતા. પોતાના સ્વભાવ અનુસાર તેઓ ભોજનની તૈયારી કરી રહ્યા હતા કે કેટલાંક બાળકો પાસે આવીને ઊભાં રહી ગયાં. તેમની પાસે બાળકો બહુ આવ્યા કરતાં હતાં.
બાળકો ભૂખ્યાં હતાં. સ્વામીજીએ પોતાની બધી રોટલીઓ એક એક કરીને બાળકોમાં વહેંચી દીધી. મહિલા ત્યાં જ બેઠીબેઠી બધુ જોઈ રહી હતી.તેને ખૂબ આશ્ચર્ય થયું. આખરે તે પૂછી બેઠી – “આપે બધી રોટલીઓ તો આ બાળકોને આપી દીધી, હવે આપ શું ખાશો ?”
સ્વામીજીના હોઠ પર સ્મિત ફરકી ગયું. તેમણે પ્રસન્ન થઈને કહ્યું, “માતા ! રોટલી તો પેટની જ્વાળા શાંત કરનારી વસ્તુ છે – આ પેટમાં નહિ તો પેલાના પેટમાં. આપવાનો આનંદ, મેળવવાના આનંદ કરતાં મોટો છે.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6