એક ઊંટ બહુ આળસુ હતું. તે માત્ર એટલું ઈચ્છતું હતું કે તેની બધી દૈનિક આવશ્યકતાઓ એક જ જગ્યાએ બેસી રહીને પૂરી થઈ જાય. એક દિવસ હવાઈ માર્ગેથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી જ્યાં ઊંટ સૂતું હતું એ સ્થાનેથી નીકળ્યાં. ભગવાનને જોઈને તે તેમને અનુનય – વિનય કરવા લાગ્યું કે તેની ડોક સોગણી લાંબી કરી દેવામાં આવે, જેનાથી તે એક જ સ્થાન પર બેસીને દૂરનો ચારો ખાઈ શકે અને તેને ભોજન મેળવવા માટે કોઈ ખાસ પરિશ્રમ ન કરવો પડે. તેની અસંગત યાચના સાંભળીને પહેલાં તો ભગવાન ભોળાનાથ થોડાક કોપિત થયા પરંતુ પછી કંઈક વિચારીને તેમણે ઊંટની એ ઇચ્છા પૂરી કરી દીધી.
હવે ઊંટ એક જ જગ્યાએ બેસી રહેતું અને ત્યાંથી પોતાની ડોક જુદી જુદી દિશાઓમાં ફેરવીને ભોજન મેળવી લેતું. ઉનાળાના દિવસો આમ જ વીતી ગયા. ત્યાર પછી વરસાદની ઋતુ આવી હવે ઊંટને લાગ્યું કે આટલી મોટી ગરદન ક્યાં છુપાવવી ? ઘણી વાર સુધી શોધ્યા પછી તેને એક ગુફા દેખાઈ. ઊંટે વરસાદથી રક્ષણ મેળવવા માટે પોતાની ગરદન એ ગુફાની અંદર ઘુસાડી દીધી. એ ગુફા એક વાઘની હતી. જેવી વાઘને ઊંટની ગરદન દેખાઈ તો તે પ્રસન્ન થઈ ગયો. તેને તો પરિશ્રમ વિના જ શિકાર તેની ગુફામાં જ મળી ગયો હતો. વાઘને જોઈને ઊટે ગરદન ઘુમાવવાની કોશિશ તો કરી પરંતુ જ્યાં સુધી તે તેને કાઢી શકે, ત્યાં સુધીમાં વાઘ તેનો શિકાર કરી ચૂક્યો હતો. આળસુ અને અકર્મણ્ય આવો જ ખરાબ અંત પામે છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6