એક રખડુ જેવો લાગતો આદમી કયાંક જઈ રહ્યો હતો. રસ્તામાં આંબાવાડી આવી તે થાક ઉતારવા ત્યાં બેઠો. બગીચાના માલિકે એને જોઈને કહ્યું કે જો તું ચાહે તો આંબાવાડીની રખેવાળી કરવાની નોકરી કરી શકે છે.
એ આદમી તૈયાર થઈ ગયો અને રખેવાળોની નોકરી કરવા લાગ્યો જે ઈમાનદારી સાવધાની અને મહેનતથી તે રખેવાળી કરતો, એનાથી માલિક પણ ખુશ હતો.
રખેવાળી કરનારે આ કામમાં વર્ષો વીતાવી દીધાં. પોતાની ઝૂંપડીમાં રહેવું. બતાવવામાં આવેલું કામ કરવું અને ભગવાનનું ભજન કરવું – બસ આ એની દિનચર્યા હતી.
એક દિવસ માલિકે એ નોકરને કહ્યું કે થોડી મીઠી કેરીઓ તોડી લાવો નોકર ગયો અને મોટી મોટી પાકી કેરીઓ તોડી લાવ્યો. પણ તે કેરીઓ ખાટી નીકળી.
માલિકે એને ઘમકાવતાં કહ્યું – તુ આટલાં વર્ષોથી અહીં કામ કરે છે તો એ પણ નથી જાણતો કે ક્યા
આંબાની કેરી ખાટી અને કયાની મીઠી છે?
નોકરે નમ્રતાથી કહ્યું – માલિક ! હું રખેવાળ છું. કોઇને એક કેરી પણ નથી તોડવા દેતો તો પછી હું કેવી રીતે ચોરી કરી શકું. માલિકની આજ્ઞા વગર કેરી તોડવાને હું ચોરી માનું છું.
આવા ઈમાનદાર નોકર પર ખુશ થઈને માલિકે એને નોકરીમાંથી છૂટો કર્યો અને એ આબાવાડીમાં સંતના રૂપમાં રહેવાનો આગ્રહ કર્યો.
બીજા દિવસે વહેલી સવારે જ નોકર ત્યાંથી ચાલ્યો ગયો. જયાં સંત બનાવીને પૂજા કરવામાં આવશે ત્યાં કોઇ વ્યકિત સાચા રૂપમાં સંત નહિ રહી શકે આવુંવિચારીને એ આદમી નોકરી છોડીને પહેલાની જેમ વિચરવા લાગ્યો. આ આદમી મહાત્મા ઈબ્રાહીમના નામથી પ્રસિદ્ધ થયો.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6