એક ચોર કોઈ સંતની પાસે રોજ જતો અને તેમને ઈશ્વરનાં દર્શનનો ઉપાય પૂછયા કરતો. એક દિવસ સંત તેના માથા પર છ પથ્થર મુકાવીને પહાડનાં ઊંચાં શિખર પર તેને ઈશ્વરનાં દર્શન કરાવવા લઈ ગયા.
પથ્થર મોટા હતા. થોડેક દૂર પહોંચતાં જ ચોર હાંફવા લાગ્યો તો સંતજીએ એક પથ્થર ઉતારી લીધો. આગળ જતાં ચોર ફરીથી લથડાવા લાગ્યો તો સંતજીએ વધુ એક પથ્થર ઉતારી દીધો. આ રીતે પર્વતના શિખર પર પહોંચતાં પહોંચતાં છએ છ પથ્થર ઉતારી દીધા.
ત્યાં પહોંચીને તેમણે ચોરને ઉપદેશ આપ્યો કે આ રીતે આપણા મન પર પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરના છ મનોવિકારોનો બોજ લદાયેલો છે. જેનાથી આપણે ઈશ્વરનાં દર્શન કરવામાં સફળ થતા નથી. પહેલાં મન પરથી તેને હટાવીને હલકા થઈ જાવ તો ઈશ્વરનાં દર્શન અવશ્ય થશે.
યુગ શક્તિ ગાયત્રી, ઑક્ટોબર ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6