એક હાથી છે, એને નવડાવી છોડી દો, તો એ શું કરશે? માટીથી રમશે અને પોતાના શરીરને ફરીથી ગંદું કરશે. કોઈ એના પર સવારી કરશે તો એનું શરીર પણ અવશ્ય ગંદું થશે. પરંતુ જો હાથીને સ્નાન કરાવીને પછી પાકા વાડામાં બાંધી દેવામાં આવે તો પછી હાથી પોતાનું શરીર ગંદું નહીં કરી શકે.
મનુષ્યનું મન હાથી જેવું જ છે. એક વાર ધ્યાન-સાધના અને ભગવાનના ભજનથી શુદ્ધ થઈ જાય તો એને સ્વતંત્ર ન કરવું જોઈએ. આ સંસારમાં પવિત્રતા પણ છે ગંદકી પણ છે. મનનો સ્વભાવ એવો છે કે એ ગંદકીમાં જશે અને મનુષ્યદેહને દૂષિત કરવાનું ચૂકશે નહીં. તેથી જ એને ગંદકીથી દૂર રાખવા માટે એક વાડાની આવશ્યકતા હોય છે, જેમાં એ બંધાયેલો રહે અને ગંદકીની સંભાવનાઓવાળાં સ્થાનોમાં ન જઈ શકે.
ઈશ્વરનું ભજન, એનું નિરંતર ધ્યાન એક વાડો છે, જેમાં મનને બંધ રાખવું જોઈએ, તો જ સાંસારિક સંસર્ગથી ઉત્પન્ન થતા દોષો અને ગંદકીથી બચવું શક્ય છે.
ભગવાનને વારંવાર યાદ કરતા રહેશો તો મન અસ્થાયી સુખોના આકર્ષણ અને પાપથી બચી શકશે અને એને પોતાના જીવનના સ્થાયી લક્ષ્યની યાદ આવતી રહેશે. એ વખતે દૂષિત વાસનાઓમાં પડવાથી આપોઆપ ભય ઉત્પન્ન થશે અને મનુષ્ય એ પાપકર્મથી બચી જશે, જેના કારણે એ વારંવાર અપવિત્રતા અને મલિનતા ઉત્પન્ન કરતો હોય છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6