Home year2003 ઈશ્વરનો સાચો ભક્ત

ઈશ્વરનો સાચો ભક્ત

by Akhand Jyoti Magazine

Loading

“કુબેર હોય કે રંક જ્યાં સુધી પરિશ્રમથી કમાયેલા ધનનો એક અંશ લોકહિતમાં સમર્પિત નથી કરતા તેઓ અધર્મ ખાય છે.” આટલા અક્ષર મહર્ષિ અનમીષિ માટે શાસ્ત્ર બની ગયા. તેમણે પત્ની સહિત એવી પ્રતિજ્ઞા કરી કે તેઓ દીનદુઃખીને ભોજન કરાવીને ભોજન લેશે.

તેમને સંકલ્પ નિભાવતાં વર્ષો વીતી ગયાં. તપ કોઈપણ પરીક્ષા વિના સિદ્ધ થઈ ગયું હોય એવું ક્યાંય બન્યું નથી.

એક દિવસ એવો આવ્યો કે એમના બારણે કોઈ ડોકાયું પણ નહિ. બંને ખૂબ દુઃખી થયાં. ત્યાં જ તેમણે જોયું, ઝાડ નીચે એક વૃદ્ધ કુષ્ઠ રોગી પીડાથી કણસી રહ્યો હતો. શરીરમાં ઘા થઈ જવાથી તે કણસતો હતો. અનમીષિએ આગળ વધીને કહ્યું, “ભોજન તૈયાર છે એ ગ્રહણ કરી કૃતાર્થ કરો.” વૃદ્ધે કણસતાં કહ્યું, “આર્યશ્રેષ્ઠ ! હું આપની ઉદારતાનો અધિકારી નથી, કારણકે હું ચાંડાલ જાતિનો છું. સંભવ હોય તો ઘરમાં જે કંઈ રોટલી બચી હોય તે અહીં ફેંકી જાવ. તે ઉપાડીને મારું પેટ ભરી લઈશ.”

વૃદ્ધની આ દશા જોઈને અનમીષિની કરુણા ઊભરાઈ પડી. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેઓ બોલ્યા, “એમ ન કહો તાત ! અમે જાતિનાપૂજારી નથી, જીવનમાત્રમાં વ્યાપ્ત આત્માના ઉપાસક છીએ. આપની અંદર જે ચેતન છે તે જ પરમાત્મા છે. તેને છોડીને અમે અન્નગ્રહણ કરવાનું પાપ કેવી રીતે કરી શકીએ?”

તેઓ તે વૃદ્ધને આદરસહિત પોતાની કુટિરમાં લઈ ગયા. સ્નાન કરાવ્યું, નવાં કપડાં પહેરાવ્યાં, તેને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન લીધું.

જ્યારે રાત્રે અનમીષિ સૂતા તો અગ્નિદેવ પ્રગટ થયા અને બોલ્યા, “તું જ ઈશ્વરનો સાચો ભક્ત છે કે જે બ્રાહ્મણ, ચાંડાલ, હાથી અને કૂતરામાં કોઈ ભેદ રાખતો નથી.”

યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like