એક વ્યવસાયી દંપતી ઈશ્વરભક્ત અને પરોપકારી હતું. એક વખત તેમને વ્યવસાયમાં ભારે નુકસાન થઈ ગયું. નુકસાન થવાથી પતિ નિરાશ થઈને બીમાર રહેવા લાગ્યો. તેણે પોતાનો નિત્ય ઉપાસનાનો ક્રમ છોડી દીધો અને સદા ચિંતામાં ડૂબી રહેતો. તેની પત્ની તેને ખૂબ સમજાવતી કે વેપારમાં તો નફો-નુકસાન થતાં રહે છે, તેમણે ઈશ્વર પર ભરોસો રાખીને પોતાનું કાર્ય મનોયોગપૂર્વક કરવું જોઈએ. તેના બહુ સમજાવવા છતાંય પતિ પર કોઈ ખાસ પ્રભાવ ન પડ્યો.
એક દિવસ તેની પત્ની કાળી સાડી પહેરીને તેની સામે આવીને ઊભી રહી ગઈ. પતિએ તેને આ વસ્ત્રોમાં જોઈ તો પૂછ્યું – શું કોઈનું મૃત્યુ થઈ ગયું છે કે તે કાળાં કપડાં પહેર્યા છે ? પત્ની બોલી – હા, ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું છે. પતિ બોલ્યો – અરે! ઈશ્વર પણ ક્યારેય મરે છે? પત્નીએ ઉત્તર આપ્યો – તો પછી આપને વેપારમાં નુકસાન થતાં જ ઈશ્વર પર ભરોસો રાખવાનું છોડી કેમ દીધું ? જો પરમાત્મા જીવિત છે તો તેઓ ફરીથી સારા દિવસો પાછા આપશે.
પત્નીની વાતો સાંભળતાં જ પતિની આંખો ખૂલી ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે એ જ વખતથી ચિંતાનો ત્યાગ કરીને નવા ઉત્સાહ સાથે પોતાનાં કાર્યમાં લાગી ગયો.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6