એક છોકરાએ એક પૈસાદાર માણસને જોઈને ધનવાન બનવાનો સંકલ્પ કર્યો. કેટલાક દિવસોમાં તેણે થોડાઘણા પૈસા કમાઈ લીધા. એ દરમ્યાન એક વિદ્વાન સાથે તેની મુલાકાત થઈ ત્યારે તેણે વિદ્વાન બનવાનો સંકલ્પ કર્યો અને બીજા જ દિવસથી તે કમાવાનું છોડીને ભણવા લાગ્યો. તેણે માંડ અક્ષરજ્ઞાન મેળવ્યું ત્યાં તો તેનો ભેટો એક સંગીતકાર સાથે થયો. તેને સંગીતમાં વધારે રુચિ ઉત્પન્ન થઈ. એથી એ દિવસથી અભ્યાસ છોડીને સંગીત શીખવા લાગ્યો. થોડા દિવસ પછી તેણે સંગીત પણ છોડી દીધું અને નેતાગીરી કરવા લાગ્યો.
તે ખાસ્સો મોટો થઈ ગયો ત્યાં સુધીમાં તે ના તો ધનવાન બની શક્યો ના તો સંગીતકાર બની શક્યો, ના તો વિદ્વાન બની શક્યા કે ના નેતાગીરી કરી શક્યો. તેથી તેને ખૂબ દુ:ખ થયું. એક દિવસ તેને એક મહાત્માને મળવાનું થયું. તેણે પોતાનું દુઃખ જણાવ્યું. સાધુએ મલકાઈને કહ્યું, “બેટા, દુનિયા બહુ લલચામણી છે. દરેક જગ્યાએ કશુંક આકર્ષણ તો જોવા મળશે જ તેથી ગમે તે એક નિશ્ચય કરીને તેનો અમલ કરતો રહીશ તો ઉન્નતિ ચોક્કસ થશે. તું વારંવાર ધ્યેય બદલતો રહીશ તો ક્યારેય પ્રગતિ નહીં સાધી શકે. પેલો યુવાન સમજી ગયો અને પોતાનું એક જ ધ્યેય નક્કી કરીને તેનો જ અભ્યાસ કરવા લાગ્યો.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6