એક સમયની વાત છે જયારે વિશ્વપ્રસિદ્ધ દાર્શનિક સોક્રેટિસ પોતાના રૂમમાં બેઠાબેઠા અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યા હતા. તે વખતે તેમનો એક શિષ્ય તેમના રૂમમાં આવી ગયો. શિષ્યએ તેમને આ રીતે પોતાનો ચહેરો નિહાળતા જોયા તો તે ખૂબ આશ્ચર્ય પામ્યો. શિષ્ય કાંઈ બોલ્યો નહિ, ફક્ત મલકાવા લાગ્યો. જ્યારે સોક્રેટિસે તેને મલકાતાં જોયો તો તેઓ તેની દુવિધા પામી ગયા. શિષ્ય કોઈ સવાલ કરે, એ પહેલાં જ સોક્રેટિસ બોલી ઊઠ્યા, “હું જાણી ગયો કે તું શા માટે હસી રહ્યો છે ? કદાચ તું વિચારી રહ્યો છે કે મારા જેવી કુરૂપ વ્યક્તિ આખરે અરીસામાં પોતાનું મોં કેમ જોઈ રહી છે?” શિષ્ય કાંઈ બોલ્યો નહિ કારણ કે તેની ભૂલ પકડાઈ ગઈ હતી, તે શ૨માઈ ગયો અને નીચું જોઈને ઊભો રહ્યો.
સોક્રેટિસે કહ્યું, “કદાચ તું નથી જાણતો કે હું આ અરીસામાં શા માટે જોતો રહું છું ?” શિષ્યએ કહ્યું, “ના.” આ સાંભળીને સોક્રેટિસ બોલ્યા, “હું કુરૂપ છું, એટલા માટે રોજ અરીસો જોઉં છું.” શિષ્યને આ વાત થોડીક અટપટી લાગી. તેણે પ્રશ્ન કર્યો, “પણ એવું શા માટે?’’ સોક્રેટિસ કહેવા લાગ્યા, “હું આવું એટલા માટે કરું છું કે જેથી એ જોઈને મને મારી કુરૂપતાનો અહેસાસ રહે. હું મારા અસલી રૂપને જાણું છું એટલે હું રોજ કોશિશ કરતો રહું છું કે એવાં સારાં કામ કરું, જેની નીચે મારી આ કુરૂપતા ઢંકાઈ જાય. મારા કરતાં મારાં કર્મ મોટાં બની જાય. “
શિષ્યએ જિજ્ઞાસા પ્રગટ કરી, “તો શું સુંદર લોકોએ ક્યારેય અરીસામાં ન જોવું જોઈએ ? ” સોક્રેટિસે સમજાવ્યું, “સુંદર લોકોએ પણ ચોકસ અરીસામાં જોવું જોઈએ, જેથી તેમને ધ્યાન રહે છે કે તેઓ જેટલા સુંદર છે, તેટલાં જ સુંદ૨ કામ પણ કરે, નહિતર તેમનાં ખરાબ કામ તેમની સુંદરતાને ઓછી કરી નાંખશે.” શિષ્ય પોતાના ગુરુનો આશય સમજી ગયો.
નિશ્ચિતપણે આપણાં સારાં કર્મ જ આપણી કુરૂપતાને છુપાવે છે અને સુંદરતાને નિખારે છે. પોતાના શરીરને સુંદરતાને નિખારવા માટે લોકો કોણ જાણે કેવા કેવા ઉપાય કરે છે – મેકઅપ કરે છે. પાર્લરમાં જાય છે, દવાઓ લે છે, અરે ! એટલે સુધી કે આજકાલ સર્જરી પણ કરાવવા લાગ્યા છે. પરંતુ અસલમાં આ શરીરની શોભા અને સુંદરતા, જ્યારે એ શરીરથી સારાં કર્મ કરવામાં આવે છે, ત્યારે જ વધે છે અને નિખરે છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6