દંડી સ્વામી પોતાની વિદ્વત્તા માટે પ્રખ્યાત હતા. મથુરામાં આવેલા તેમના આશ્રમમાં શિક્ષણ મેળવવા માટે દૂર – દૂરથી શિષ્યો આવતા હતા.
એ શિષ્યોમાં મૂળશંકર પણ હતા. આમ તો બધા શિષ્યો આશ્રમનું કામ કરતા હતા પરંતુ સ્વામીજીએ મૂળશંકરને વધારે કાર્ય સોંપેલું હતું અને તેમને સુવિધાઓ પણ બધાથી ઓછી મળેલી હતી. મૂળશંકર પ્રત્યે ગુરુજીના આવા વ્યવહારનું કારણ શિષ્યોને સમજાતું ન હતું.
અંતે એક દિવસ એક શિષ્યએ આ બાબતમાં પૂછી જ લીધું. દંડી સ્વામીએ ઉત્તર આપવાને બદલે તમામ શિષ્યોને શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા, જેમાં તેમણે તમામ શિષ્યોને એક બાજુ અને મૂળશંકરને એક બાજુ બેસાડ્યા. શાસ્ત્રાર્થમાં મૂળશંકર એકલા જ બધા શિષ્યોને ભારે પડી ગયા, ત્યારે દંડી સ્વામીએ કહ્યું, “જોયું, તમે લોકોએ ! આ એકલો જ બધાને ભારે પડી શકે છે. આ ખરું સોનું છે અને સોનાને તપાવવાનું જરૂરી હોય છે. હું એટલા માટે તેની કઠોર પરીક્ષા લેતો હતો.” એ જ મૂળશંકર આગળ જતાં સ્વામી દયાનંદ સરસ્વતીના નામે પ્રસિદ્ધ થયા.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6