એક ખેડૂત પાસે ઘણી સારી જમીન હતી. સિંચાઈનાં બધાં સાધનો હતાં. સ્વસ્થ બળદ અને સ્વસ્થ બાળકો. ખેતી ઘણી સારી થતી હતી. ગામનો કોઈ પણ ખેડૂત તેના કરતાં સારું ઉત્પાદન મેળવી શકતો ન હતો. એ ખેતીમાં એણે ખૂબ જ કઠિન પરિશ્રમ કર્યો હતો. સરસ સુરક્ષા કરી ત્યારે તે આટલી ઉપજાઉ બની હતી.
એકવાર એનું ઉત્પાદન દર વર્ષ કરતાં સારું થયું. ઊંચા ઊંચા છોડ અને મોટી મોટી ડાળખીઓ. અનાજના ભારથી ડાળખીઓ ઝૂકી રહી હતી. ખેડૂત તે જોઈ- જોઈને અભિમાનથી ફૂલાતો જતો હતો. એ જાતજાતની યોજનાઓ ઘડી રહ્યો હતો. અભિમાન પણ શું કામ ન કરે, એ મોટો ખેડૂત હતો.
એક દિવસ કસમયનો પવન ફૂંકાવા લાગ્યો, વાદળાં ઘેરાવા લાગ્યાં. જોતજોતામાં આકાશ કાળું થઈ ગયું. વીજળી ચમકવા લાગી અને વરસાદ શરૂ થઈ ગયો. મોટા મોટા કરા પડયા. આખો પાક પળવારમાં બરબાદ થઈ ગયો. કેટલોક તૂટી ગયો અને કેટલોક પાણી સાથે વહી ગયો. જે પાક બચ્યો તે સડી ગયો. ખેડૂતનું ભાગ્ય ફૂટી ગયું. હવે વાદળાં જતાં રહ્યાં. ખેડૂત તેના ખેતર પાસે ઊભો દુર્ભાગ્યને દોષ આપી રહ્યો હતો. ઉપર દૂર સુધી આકાશ ફેલાયેલું હતું, જાણે એ ખેડૂતને સંકેત કરી રહ્યું હતું, અરે ખેડૂત ! આ ધરતી અને આ જમીન બધું અમારું છે. તું તો એમનો માત્ર ભાડુઆત છે. આ ખેતર તને જીવનનિર્વાહ માટે મળ્યું હતું. એમાં તારો હક કયો ? અત્યાર સુધી કોઈ બીજાની પાસે હતું, હવે પછી કોઈ બીજાની પાસે હશે. આ ક્રમ આ જ રીતે ચાલતો રહેશે, પરંતુ આ ખેતર તો હે ખેડૂત, તારું નહીં પણ મારું જ રહેશે.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6