એક ડોસો સવારથી ઘાસ ખોદી રહ્યો હતો. આખા દિવસમાં તે પોતાના માથે મૂકીને ઘોડાવાળાઓ બજારમાં વેચવા લઈ જઈ શકે એટલું ધાસ માંડ ખોદી શક્યો હતો.
એક ભણેલો-ગણેલો માણસ લાંબા સમયથી એ ડોસાના પ્રયત્નોને જોઈ રહ્યો હતો. તેથી તેણે પૂછ્યું, “આ આખા દિવસની મહેનત વડે જે કમાઈ લાવશો તેનાથી તમારું ઘરખર્ચ કેવી રીતે પૂરું થઈ શકશે ? શું તમે ઘરમાં એક્લા જ છો ?”
ડોસાએ હસીને જવાબ આપ્યો, “મારા કુટુંબમાં ઘણા માણસો છે. જેટલું ઘાસ વેચાય એટલામાંથી જ અમે બધા અમારું ગુજરાન ચલાવી લઈએ છીએ.”
યુવકને નવાઈ પામેલો જોઈને ડોસાએ કહ્યું, “તમે તમારી આવક કરતાં વધારે મહત્ત્વાકાંક્ષાઓ ધરાવતા હો એવું લાગે છે. તેથી જ તમને ગરીબીમાં ગુજરાન ચલાવવાની વાત સાંભળીને નવાઈ લાગે છે.”
યુવાન બીજું તો કાંઈ બોલી ના શક્યો, પરંતુ પોતાની ભોઠપ છુપાવવા બોલ્યો, “માત્ર ગુજરાન ચલાવવું એટલું પૂરતું નથી. દાનપુણ્ય માટે પણ પૈસા તો જોઈએને ?”
ડોસો હસી પડ્યો. તેણે કહ્યું, “મારા ઘાસમાંથી તો બાળકોનું પેટ માંડ ભરી શકાય છે, તેમ છતાંય મે પાડોશીઓ પાસેથી માગી-માગીને એક કૂવો બનાવડાવ્યો છે. તેનો લાભ ગામ આખું ઉઠાવે છે. દાનપુણ્ય માટે આપણી પાસે કશું ના હોય તો બીજા સંપન્ન લોકો પાસેથી સહયોગ માંગીને કશું ભલાઈનું કામ કરવું એ શું યોગ્ય કે પૂરતું નથી ?”
યુવક ત્યાંથી ચાલ્યો ગયો. તે રાત આખી વિચારતો રહ્યો કે, મહત્ત્વાકાંક્ષાઓ સજાવવી અને તેમને સંતોષવામાં જ જીવન વેડફી નાખવું; શું એ જ જીવન જીવવાની એકમાત્ર રીત છે ?
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6