એક તપસ્વીએ ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે ઘોર તપશ્ચર્યા શરૂ કરી. ઘોર તપસ્યાનું સત્યરિણામ પણ મળ્યું. સૂર્યદેવ પ્રસન્ન થયા અને તેની સામે પ્રકટ થયા.
વરદાન માગવાનો સમય આવ્યો તો તપસ્વીએ ભગવાન સૂર્ય પાસે એક એવા અસ્ત્રની કામના કરી જેને કોઈ પરાજિત ન કરી શકે. ભગવાન સૂર્યએ પૂછ્યું, “તપસ્વી ! આટલી તપસ્યા કરીને તમે આયુધ પ્રાપ્ત કરી લેશો તો તેનું શું કરશો ? ” તપસ્વીએ ઉત્તર આપ્યો, “ભગવન્ ! તેના પ્રભાવથી સંપૂર્ણ સૃષ્ટિ પર નિરંકુશ શાસન કરીશ.”
સૂર્યદેવે ફરી પૂછ્યું, “એ જણાવો કે આવું શાસન ક્યાં સુધી કરી શકશો ?’તપસ્વીએ પ્રશ્ન પર વિચાર કર્યો અને ઉત્તર આપ્યો, “ભગવન્ ! શરીરનું આયુષ્ય સમાપ્ત થઈ જવાથી તો શાસન આપોઆપ જ સમાપ્ત થઈ જશે.” ભગવાન સૂર્ય બોલ્યા, “તો એ શાસનનો શો લાભ જેનાથી માત્ર પુણ્યનો ક્ષય થાય, વૃદ્ધિ નહિ. આપે આટલી ઘોર તપસ્યા કરી, તેનું પુણ્ય શું આયુધ ભેગાં કરવામાં જ લગાવશો ?’
તપસ્વીનું અંતર્મન આ સાંભળીને ચેતી ગયું અને તેણે ભગવાન સૂર્યને પ્રાર્થના કરીને આત્મપરિષ્કારની રીત જાણી અને તેનાથી પોતાનું કલ્યાણ કર્યુ. તપસ્યાનો સાચો ઉપયોગ પુણ્ય અર્જન અને આત્મશોધનમાં છે પુણ્ય વિસર્જનમાં નહિ.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6